No Confidence Motion Debate: લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે અમને જણાવવામાં આવે કે વડાપ્રધાને સ્પીકર ઓફિસની અંદર શું કર્યું. જેના પર અમિત શાહે કહ્યું કે હા જણાવવું જોઇએ. અધીર રંજન ચૌધરી સહિત તમામ વિપક્ષી સાંસદો ઉભા છે. સંસદીય કાર્ય મંત્રીએ કહ્યું કે જાહેરમાં એ વાત સામે આવી ચૂકી છે કે રાહુલ ગાંધી પહેલા બોલવા માંગતા હતા.






કોગ્રેસ સાંસદે કહ્યું- મણિપુર ન્યાય ઇચ્છે છે


કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પીએમ મોદીને સવાલ પૂછતા કહ્યું હતું કે, "તમામ લોકો મણિપુર ગયા પરંતુ પીએમ મોદી કેમ ન ગયા? તેમણે મણિપુર મુદ્દે બોલવા માટે 80 દિવસનો સમય કેમ લીધો અને જ્યારે તેઓ બોલ્યા ત્યારે તે માત્ર 30 સેકન્ડ માટે બોલ્યા હતા? કેમ નહીં? મણિપુરના મુખ્યમંત્રીને કેમ હટાવવામાં આવ્યા નથી? અમને અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ફરજ પડી છે. તે સંખ્યા વિશે ક્યારેય નહોતું પરંતુ મણિપુરના ન્યાય માટે હતું. હું રજૂઆત કરું છું કે આ ગૃહ સરકારમાં અવિશ્વાસ વ્યક્ત કરે છે. I.N.D.I.A. મણિપુર માટે આ ઠરાવ લાવી છે. મણિપુર ન્યાય માંગે છે."






‘PM મોદી પોતાની ભૂલ સ્વીકારતા નથી’


કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે  વડાપ્રધાન મોદી માત્ર મણિપુર જ નહીં પરંતુ અદાણી મુદ્દે પણ મૌન રહ્યા હતા. ચીન પર પણ મૌન છે. પીએમ મોદી પોતાની ભૂલ સ્વીકારતા નથી.






કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે 'વડાપ્રધાને સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિન સરકાર મણિપુરમાં તેમની સરકાર નિષ્ફળ ગઈ છે. તેથી જ મણિપુરમાં 150 લોકોના મોત થયા છે. લગભગ 5000 ઘરો બળી ગયા, લગભગ 60,000 લોકો રાહત શિબિરોમાં છે અને લગભગ 6500 FIR નોંધવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ સંવાદ, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનાવવું જોઈતું હતું, તેમણે છેલ્લા 2-3 દિવસમાં ઉશ્કેરણીજનક પગલાં લીધા છે, જેના કારણે સમાજમાં તંગદિલી પેદા થઇ છે.