No-Confidence Motion: સંસદના ચોમાસુ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં જવાબ આપશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા જ આ વાતની પુષ્ટી કરી હતી.


સંરક્ષણ પ્રધાન અને સાંસદ રાજનાથ સિંહે બુધવારે જણાવ્યું હતું કે પીએમ મોદી 10 ઓગસ્ટે સંસદમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે. નોંધનીય છે કે 26 જૂલાઈના રોજ વિપક્ષે મણિપુર હિંસા મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મંગળવારે પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી હતી.


શું હોય છે અવિશ્વાસની દરખાસ્ત


રાજકીય નિષ્ણાતો કહે છે કે મોદી સરકાર ગૃહમાંથી વિશ્વાસ ગુમાવશે નહીં. કારણ કે એનડીએ સિવાય ભાજપ પાસે ગૃહમાં સંપૂર્ણ બહુમતી છે. નોંધનીય છે કે કોઈપણ લોકસભા સાંસદ 50 સાંસદોના સમર્થન સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે. અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થયા બાદ તેના પર ગૃહમાં ચર્ચા થાય છે. વિપક્ષ ગૃહમાં સરકારની ખામીઓ ગણાવે છે. આના પર શાસક પક્ષના સાંસદો જવાબ આપે છે. અંતે મતદાન થાય છે. જો અવિશ્વાસની દરખાસ્ત સફળ થાય તો સરકાર પડી જાય છે.


બીજેપી સામે બીજી વખત અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ


એનડીએ પાસે કુલ 331 સાંસદો છે. જેમાંથી 303 સાંસદો ભાજપના છે. વિપક્ષીમાં માત્ર 144 સાંસદો છે. મોદી સરકાર બીજી વખત સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો છે. આંધ્રપ્રદેશના મુદ્દે 2018માં સરકાર સામે પહેલો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.


અમિત શાહે મોદી સરકારના કામ ગણાવ્યા


અવિશ્વાસ પ્રસ્તાવ સામે પ્રતિક્રિયા આપતા અમિત શાહે ગૃહમાં કહ્યું હતું કે હું આખા દેશને કહેવા માંગુ છું, વડાપ્રધાને મણિપુરમાં હિંસાના સમાચાર જોયા કે તરત તેમણે મને રાત્રે 4 વાગ્યે અને બીજા દિવસે સવારે 6:30 વાગ્યે ફોન કર્યો હતો.  વિપક્ષ કહે છે કે વડાપ્રધાન મોદી જરાય ચિંતિત નથી. અમે ત્રણ દિવસ સુધી સતત કામ કર્યું. 16 વિડિયો કોન્ફરન્સ, 36,000 CAPF જવાનોને તાત્કાલિક રાજ્યમાં મોકલવામાં આવ્યા હતા. એરફોર્સના વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો, મુખ્ય સચિવ અને ડીજીપી બદલ્યા, નવા સલાહકાર મોકલ્યા. બધું જ 4 મેના રોજ કરવામાં આવ્યું હતું. હિંસા શરૂ થયાના 24 કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવી હતી.