લક્ઝરી કાર બનાવતી જર્મન કંપની BMWએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દાવાને નકારી કાઢ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો હતો કે BMW પંજાબમાં ઓટો પાર્ટ્સ પ્લાન્ટનું એક યુનિટ સ્થાપશે. તેમના દાવા પછી BMW ઇન્ડિયાએ એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું હતું કે તે ભારતમાં તેના ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે તૈયાર છે પરંતુ હાલમાં BMW ઈન્ડિયા પંજાબમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી નથી. કંપનીના આ નિવેદન પર પંજાબ સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.






બીએમડબલ્યૂ કંપનીએ શું કહ્યું


નિવેદનમાં કહેવામા આવ્યું છે કે કાર અને મોટરસાઇકલની સાથે સાથે બીએમડબલ્યૂ જૂથની ગતિવિધિઓમાં તેમના પ્રીમિયમ ગ્રાહકો માટે આર્થિક સેવાઓ સામેલ છે. BMW ગ્રૂપ તેની ભારતીય કામગીરી માટે પ્રતિબદ્ધ છે જેમાં ચેન્નઈમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, પૂણેમાં પાર્ટસ વેરહાઉસ, ગુડગાંવ-NCRમાં તાલીમ કેન્દ્ર અને દેશના મુખ્ય મહાનગરોમાં ડીલરોનું નેટવર્ક સામેલ છે. બીએમડબલ્યૂએ કહ્યું કે બીએમડબલ્યૂ ઇન્ડિયા અને બીએમડબલ્યૂ ઇન્ડિયા ફાઇનાન્શિયલ સર્વિસિઝ જૂથની 100 ટકા સહાયક કંપનીઓ છે અને તેનું હેડક્વાર્ટર ગુડગાંવમાં છે.


ભગવંત માનની જર્મની મુલાકાત


વાસ્તવમાં રાજ્યમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભગવંત માન આ દિવસોમાં જર્મનીના પ્રવાસે છે. તેઓ જર્મનીમાં BMWના મુખ્યમથક ખાતે કંપનીના અધિકારીઓને મળ્યા હતા.આ બેઠક બાદ માને દાવો કર્યો હતો કે BMW કંપની પંજાબમાં તેના ઓટો પાર્ટ્સ પ્લાન્ટનું એક યુનિટ સ્થાપવા માટે તૈયાર છે. માને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે કંપનીના આ પ્લાન્ટની સ્થાપના બાદ રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થશે અને રોજગારીની તકો પણ ઉભી થશે.


પંજાબ સરકારે પંજાબમાં લક્ઝરી કાર નિર્માતા BMWના ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના વિશે એક પ્રેસ રિલીઝમાં પણ માહિતી આપી હતી. જ્યારે BMWના નિવેદન પર રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.