FIR against BJP: આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબમાં AAP ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવા બદલ ભાજપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવને  સોંપવામાં આવેલી ફરિયાદમાં પાર્ટીએ ભાજપના અનેક નેતાઓ પર પંજાબમાંથી AAP ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.






દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ ભાજપ પર 25 કરોડ રૂપિયામાં 10 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પંજાબમાં ગેરકાયદેસર રીતે સરકારને તોડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે લોકશાહી માટે મોટો ખતરો છે.






'ભાજપ સત્તાના નશામાં છે'


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ આ મુદ્દે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે પંજાબીઓ પોતાની માટી પ્રત્યે વફાદાર છે. ભાજપ સત્તાના નશામાં છે. જો લોકો વોટ ન આપે તો તેઓ ધારાસભ્યોને ખરીદવાનો રસ્તો પસંદ કરે છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સિકંદરને પણ પંજાબીઓએ રોક્યો હતો. તેમણે પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ હંમેશા પંજાબ પ્રત્યે વફાદાર રહેશે.


પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ પણ પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા આ અંગે નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને અને વિપક્ષના ધારાસભ્યોને ખરીદીને વિવિધ રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોને પછાડીને લોકશાહીની હત્યા કરી છે. હવે AAPની ફરિયાદ બાદ પંજાબ પોલીસે આ મામલે ભાજપ વિરુદ્ધ FIR નોંધી છે.