નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં લગભગ ત્રણેક મહિનાથી રેલવેનું સંચાલન બંધ છે. દેશમાં અનલોકની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ડોમેસ્ટીક ફ્લાઈટને તમામ પ્રતિબંધો સાથે છૂટ મળી ગઈ છે. એવામાં હજુ પણ ટ્રેનો શરૂ થવામાં સમય લાગી શકે છે. એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઓગસ્ટના મધ્યમાં ટ્રેનો શરૂ થઈ શકે છે, એવો અંદાજ એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કે, કારણ કે, રેલવેએ 14 એપ્રિલ કે, તેના પહેલા નિયમિત ટ્રેનો માટે રદ કરવામાં આવેલી તમામ ટિકિટોનું પૂરૂં રિફન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. તમામ ઝોનને કહેવામાં આવ્યું છે કે, તેઓ તમામ ટિકિટનું રિફંડ જનરેટ કરી દે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર રેલવે મંત્રાલયએ સોમવારે એક સર્કુલર જાહેર કરતા તમામ ઝોનને સૂચિત કર્યા છે કે, 14 એપ્રિલ કે તેના પહેલા બુક કરવામા આવેલી તમામ ટિકિટોનું રિફંડ કરી દેવામાં આવે. અત્યાર સુધી રેલવેએ 30 જૂન સુધી જ રેલવે સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. હવે લાગી રહ્યું છે કે, આ સમય મર્યાદા વધી શકે છે.

રેલેવેના નિયમો અનુસાર, 120 દિવસ પહેલા કોઈ પણ ટ્રેન ટિકિટનું બુક કરાવી શકાય છે. હવે જ્યારે 14 એપ્રિલ અને તેના પહેલા તમામ ટિકિટોનું રિફંડ કરવાનું કહેવામાં આવ્યું છે, એટેલે કે લગભગ 15 ઓગસ્ટ પહેલા બુક થયેલી તમામ ટિકિટોના પૈસા રિફંડ થઈ જશે. તો શું 15 ઓગસ્ટ બાદ ટ્રેનો દોડશે ? જો કે, હાલમાં સ્થિતિ સામાન્ય હોવાની સંભાવના નથી. એવામાં પેસેન્જર ટ્રેનો શરુ થવામાં હજુ પણ સમય લાગી શકે છે.