પટણાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ હતું કે, દેશમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (એસસી/એસટી) અનામતની જોગવાઇઓને સમાપ્ત કરવાની કોઇનામાં તાકાત નથી. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષે પાર્ટીની મગધ વિભાગીય દલિત અને મહાદલિત કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે, અમારી પ્રતિબદ્ધતા ન્યાસ સાથે વિકાસમાં છે. ન્યાય સાથે વિકાલનો અર્થ સમાજના તમામ લોકો અને તમામ વિસ્તારનો વિકાસ છે. નીતિશે કહ્યું કે, આ દેશમાં એસસી-એસટી અનામતની જોગવાઇઓને સમાપ્ત કરવાની કોઇનામાં તાકાત નથી. આ માટે તેઓ તમામ કુરબાની આપવા તૈયાર છે.


નીતિશે કહ્યું કે, લોકો કામ કર્યા વિના અને કોઇ પણ સિદ્ધાંત પ્રત્યે નિષ્ઠા રાખ્યા વિના રાજનીતિમાં આવી જાય છે અને તાકાત મળતા તેનો દુરુપયોગ કરે છે. કેટલાક લોકો સમાજમાં ભ્રમ અને ટકરાવ પેદા કરવા માંગે છે. બાબા સાહેબે બંધારણની રચના કરી જેને બંધારણ સભાએ સ્વીકાર કર્યો. અનામત નહી મળે તો હાંશિયામાં ધકેલાઇ ગયેલા લોકો મુખ્ય ધારામાં કેવી રીતે આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી પછાતનો વિકાસ નહી થાય ત્યાં  સુધી સમાજ, રાજ્ય અને દેશનો વિકાસ થઇ શકતો નથી.