Norovirus in Kerala: ભારતમાં કોરોના વાયરસની વધુ એક લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યાં હવે કેરળમાં એક નવા જ વાયરસે દેખા દેતા તંત્ર સતર્ક બન્યું છે. કેરળમાં નોરોવાયરસના બે કેસ નોંધાયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર, નોરોવાયરસથી પીડિત બંને બાળકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. ચિંતા કરવા જેવી કોઈ વાત નથી, પરંતુ દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની અને સ્વચ્છતા જાળવવાની જરૂર છે.


જે રીતે આપણે કોરોના વાયરસ સામે સાવચેતી રાખીએ છીએ તેવી જ સાવચેતી નોરોવાયરસમાં પણ જરૂરી છે. જેમાં હાથ ધોવા અને ચહેરા અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું, દૂષિત સપાટીઓને સ્પર્શ ન કરવાનો સમાવેશ થાય છે. નોરોવાયરસના સંક્રમણને ટાળવા માટે દૂષિત ખોરાક ખાવાનું ટાળો. નોરોવાયરસ વિશે જાણવા જેવી બાબતો નીચે મુજબ છે. 


નોરોવાયરસ શું છે?


નોરોવાયરસ એક ચેપી વાયરસ છે જેનો જ્યારે ચેપ લાગે છે ત્યારે ઉલ્ટી અને ઝાડા થાય છે. શરીરની જઠરાંત્રિય પ્રણાલી પર તેની અસરોને કારણે વાયરસને પેટના ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોરોવાયરસ માત્ર બાળકોને જ નહીં કોઈને પણ તેનો શિકાર બનાવી શકે છે. વાયરસ દૂષિત ખોરાક અને સપાટી મારફતે ઝડપથી ફેલાઈ શકે છે. યુએસ સીડીસી અનુસાર, એક જ વ્યક્તિને તેના જીવનમાં ઘણી વખત નોરોવાયરસનું સંક્રમણ લાગી શકે છે કારણ કે ત્યાં તેના અનેક પ્રકારના વાયરસ છે.


નોરોવાયરસ કેવી રીતે ફેલાય છે?


નોરોવાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે. જો તમે આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં હોવ તો તમને પણ ચેપ લાગી શકે છે. આ ઉપરાંત, આ વાયરસથી દૂષિત ખોરાક ખાવાથી, દૂષિત સપાટી અથવા વસ્તુઓને સ્પર્શ કરવાથી અને ત્યાર બાદ ચહેરાને સ્પર્શ કરવાથી અથવા તે ગંદા હાથથી ખોરાક ખાવાથી ચેપ લાગી શકે છે.


નોરોવાયરસ (પેટના ફ્લૂ) ના લક્ષણો શું છે?


- ઉલટી થવી


- ઝાડા


- પેટમાં ખેંચાણ


- શરદી


- માથાનો દુ:ખાવો


- સ્નાયુઓમાં દુખાવો


- વાયરસના સંપર્કમાં આવ્યાના 12 કલાકની અંદર લક્ષણો દેખાઈ શકે છે અને 1-2 દિવસ પછી થઈ શકે છે.


શું નોરોવાયરસના એસિમ્પટમેટિક કેસ છે?


હા, તે હોઈ શકે છે. મિનેસોટા ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અનુસાર, કેટલીકવાર નોરોવાયરસથી સંક્રમિત લોકોમાં કોઈ લક્ષણો હોતા નથી, પરંતુ તેમ છતાં તેઓ અન્ય લોકોમાં વાયરસનું સંક્રમણ કરી શકે છે.


વાયરસ શરીરને કેવી રીતે અસર કરે છે?


ઘણા લોકો 1 થી 2 દિવસમાં સ્વસ્થ થઈ જાય છે અને લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળતી નથી. નોરોવાયરસ ડિહાઇડ્રેશનનું જોખમ વધારે છે. નાના બાળકો, વૃદ્ધ લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોએ પોતાને ડિહાઈડ્રેદ ના થવા દેવા જોઈએ.


નોરોવાયરસ ચેપથી કેવી રીતે બચવું?


- રોજ તમારા હાથ ધોવા. ખાસ કરીને બાથરૂમનો ઉપયોગ કર્યા બાદ, જમતા પહેલા, રસોઈ બનાવતા પહેલા અને ભોજન પીરસતા પહેલા હાથ ધોવો.


- ઉલ્ટી અને ઝાડાના દરેક એપિસોડ પછી આખા ઘર અને બાથરૂમને જંતુમુક્ત કરો.


- સીફૂડને રાંધ્યા વિના ખાવાનું ટાળો. કારણ કે નોરોવાયરસ દૂષિત પાણી દ્વારા પણ ફેલાય છે, રાંધતા પહેલા સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.


- રિકવરી બાદ ઓછામાં ઓછા 3 દિવસ સુધી એકલતામાં રહો.