North East Express Train Accident: બિહારના બક્સર જિલ્લામાં એક મોટો રેલવે અકસ્માત થયો છે, જ્યાં દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 21 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ 20 ઘાયલોને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.






મળતી માહિતી મુજબ, ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા  જેમાં 2 એસી કોચનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે થયો હતો. માહિતી મળતા જ રેલવે વિભાગના અધિકારીઓ અને રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે ઘટના પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.






બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર કહ્યું, 'દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી ટ્રેનને બક્સર પાસે અકસ્માત નડ્યો છે. ડીએમ અને મેડિકલ ઓફિસરો સિવાય મેં અન્ય અધિકારીઓ સાથે પણ વાત કરી છે. એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાત કરવામાં આવી છે. લોકોના જીવ બચાવવા અને ઘાયલોને સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.






નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે ' બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તમામ કોચની તપાસ કરવામાં આવી છે. મુસાફરોને તેમની આગળની મુસાફરી માટે વિશેષ ટ્રેનો મોકલવામાં આવશે. 


રેલ્વે મંત્રીએ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે “પૂરી ના શકાય તેવી ખોટ માટે ઊંડી સંવેદના. ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી તે પાછળના કારણની તપાસ કરવામાં આવશે.