નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત છે. રાજધાની દિલ્હી સહિત આસપાસના અનેક રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં આજે 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિલ્હીમાં ઠંડીએ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર ભારતના 6 રાજ્યોમાં ઠંડીના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે.


હવમાન વિભાગે આજ માટે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે ‘રેડ કોડેડ’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ચાર ફ્લાઈટને અન્ય સ્થળે ડાઈવર્ટ કરવું પડ્યું છે. જ્યારે રેલવેના એક અધિકારીએ કહ્યું કે, ખરાબ વિઝિબિલિટીના કારણે હાવડા નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ સહિત 24 ટ્રેનો બેથી પાંચ કલાક મોડી ચાલી રહી છે.દેશભરમાં 194 ટ્રેન મોડી પડી હતી. જોકે 71 ટ્રેનના રુટ ડાઈવર્ટ કરવા પડ્યા હતા.


રાજસ્થાનમાં સીકર જિલ્લામાં ફતેહપુરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જ્યા શનિવારે શૂન્યથી ચાર ડિગ્રી સેલ્સિયસ નીચ નોંધાયું હતું. સીકર અને માઉન્ટ આબુમાં તાપમાન ક્રમશ: શૂન્યથી નીચે એક ડિગ્રી સેલ્સિયસ અને શૂન્યથી નીચે 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાન વિભાગ મૂજબ જયપુરમાં આગામી 24 કલાક કોલ્ડવેવ યથાવત રહેશે.પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં કુફરી, મનાલી, સોલનમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.