ઉત્તરાખંડના જળપ્રલયમાં ગુજરાતના યાત્રાળુઓ ફસાયાના કોઈ અહેવાલ નથી. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ઉત્તરાખંડના મુખ્ય સચિવ સાથે દુર્ઘટના અંગે વાત કરી છે. જેમાં ગુજરાતના યાત્રાળુઓ ત્યાં ફસાયા હોય કે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય એવી કોઈ માહિતી અત્યાર સુધી મળી નથી.


મુખ્યમંત્રીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને જો કોઈ ગુજરાતના યાત્રીકો દુર્ઘટનામાં ફસાયા હોય તો તેમને તત્કાલ મદદ-બચાવ-રાહત પહોંચાડવા વિનંતી કરી છે. આમ છતાં રાજ્યનું વહીવટી પ્રશાસન ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે.

ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં જોશીમઠનું સ્થળ એ કેંદ્રમાં છે અને યાત્રાળુઓ અહીંથી જ બદરીનાથ કેદારનાથ જતા હોય છે. આ દુર્ઘટના પણ જોશીમઠ પાસે બનેલી હોવાથી રાજ્ય સરકાર ત્યાંના ઘટનાક્રમ ઉપર સતત નજર રાખી રહ્યું છે.

નોંઘનીય છે કે, ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં માટો પ્રમાણમાં જાન અને માલ હાનિ થઇ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. ગ્લેશિયર ફાટતાં 150થી વધુ લોકો તણાયા હોવાની આશંકા છે. જેની શોધ ચાલું છે. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની અને એસડીઆરએફ સહિત સેનાની મદદ લેવાઇ રહી છે.