Cyclone Biparjoy in Rajasthan: ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ બિપરજોય વાવાઝોડાની ઝડપ ઘટી ગઈ છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં તોફાનનો સામનો કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ના ડીજી અતુલ કરવલે આજે (16 જૂન) એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમના અભિયાન વિશે માહિતી આપી હતી.


ડીજી અતુલ કરવલે જણાવ્યું હતું કે, "જેમ જેમ વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે, તેમ દક્ષિણ રાજસ્થાનમાં વરસાદ આવવાની શક્યતા છે. રાજસ્થાન સરકારની વિનંતી પર અમે એક ટીમ જાલોર મોકલી છે. આ ઉપરાંત કર્ણાટકમાં 4, મહારાષ્ટ્રમાં પણ 5 ટીમો તૈનાત છે.


ગુજરાતમાં વાવાઝોડાથી કેટલું નુકસાન થયું


ભારે પવન અને મુશળધાર વરસાદ સાથે, ચક્રવાત બિપરજોયે ગુજરાતમાં મોટાપાયે વિનાશ સર્જ્યો છે. નબળા પડતા પહેલા ચક્રવાતે જનજીવન ખોરવ્યું હતું. વૃક્ષો ઉખાડી ફેંક્યા હતા. વીજળી સંપૂર્ણ બંધ છે. દરિયા કિનારે ભારે ભૂસ્ખલન થયું છે. નુકસાન વિશે માહિતી આપતા ડીજી અતુલ કરવલે જણાવ્યું હતું કે, "લેન્ડફોલ પહેલા બે લોકોના મોત થયા હતા. લેન્ડફોલ પછી કોઈ જાનહાનિ થઈ નથી. 24 પ્રાણીઓના મોત થયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. લગભગ હજારો ગામોમાં વીજળી નથી. પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. 800 વૃક્ષો પડી ગયા છે. રાજકોટ સિવાય ક્યાંય ભારે વરસાદ નથી."






ગુજરાતના કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, "તેજ પવનને કારણે ઘણી જગ્યાએ સાવચેતીના પગલારૂપે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે. ચોક્કસ આંકડા સર્વે બાદ સામે આવશે. ઇલેક્ટ્રિક થાંભલા અને ટ્રાન્સફોર્મરને વધુ નુકસાન થયું છે. ઘણા વૃક્ષો પડી ગયા છે. કોઈ જાનહાનિ થઈ નથી. અમે શક્ય તેટલી વહેલી તકે સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કરીશું. 2 હાઈવે બંધ છે જ્યાંથી વૃક્ષો હટાવવાની કામગીરી ચાલી રહી છે.”


ગુજરાતના મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને પવનની ઝડપ 115-120 કિમી પ્રતિ કલાકના કારણે 300 થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા. આ દરમિયાન 45 ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


ચક્રવાત 'બિપરજોય'ના કારણે કેટલીક ટ્રેનોને પણ અસર થઈ છે. પશ્ચિમ રેલ્વેએ ગુજરાતમાં 'બિપરજોય' ચક્રવાતને ધ્યાનમાં રાખીને ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને રદ અથવા આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે.