કેન્દ્ર સરકારે જાહેર કર્યુ નોટિફિકેશન
સડક પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું કે, વાહનોના ટેમ્પરરી રજિસ્ટ્રેશનના નંબર પ્લેટ પીળા રંગની હશે, જેના પર લાલ રંગથી નંબર લખ્યા હશે. જ્યારે ડીલર્સ પાસે રાખેલા વાહનો પર નંબર પ્લેટ લાલ રંગની હશે, જેના પર સફેદ રંગથી નંબર લખ્યા હશે. મંત્રાલય મુજબ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વાહનોના રજિસ્ટ્રેશન માટે ફાળવવામાં આવનારા ચિહ્ન સાથે જોડાયેલા નિયમોમાં સ્પષ્ટતા માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
આ નોટિફિકેશન વાહનોના નંબર પ્લેટની પૃષ્ઠ ભૂમિ અને તેના પર લખવામાં આવેલા નંબર્સના રંગ સાથે જોડાયેલી અસ્પષ્ટતાને દૂર કરે છે. મંત્રાલયના કહેવા મુજબ, આ નોટિફિકેશન માત્ર નિયમોની સ્પષ્ટતા માટે બહાર પાડવામાં આવ્યું છે, તેમાં કંઈ પણ નવું ઉમેરવામાં આવ્યું નથી.
1 ઓક્ટોબરથી BS-6 ફોરવ્હીલરની રજિસ્ટ્રેશન ડિટેલ્સ કે નંબર પ્લેટ ઉપર એક લીલી પટ્ટી લગાવાશે. તેનાથી ગાડીની ઓળખ સરળતાથી કરી શકાશે. કેન્દ્ર સરકાર મુજબ આ નવો નિયમ પેટ્રોલ, સીએનજી અને ડીઝલ વાહનો પર લાગુ થશે.
લગાવાશે સ્ટિકર
મંત્રાલયે જણાવ્યું કે, બીએસ-6 ફોર વ્હીલરની નંબર પ્લેટ ઉપર એક સેન્ટીમીટર પહોળી પટ્ટી લગાવાશે. વાહનના ઈંધણ મુજબ પટ્ટી પર એક સ્ટીકર લગાવાશે. પેટ્રોલ અને સીએનજી વાહનો માટે લીલા રંગનું અને ડીઝલ વાહનો માટે કેસરી રંગનું સ્ટિકર લગાવાશે.