રાજનાથસિંહે કહ્યું કે પુલવામામાં અમારા બહાદુર જવાનો સાથે જે થયુ ત્યારબાદ 56 ઇંચની છાતીવાળા આપણા વડાપ્રધાને નિર્ણય લીધો કે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. તમે જોયું કે એરફોર્સના આપણા જવાનોએ બાલાકોટમાં જઇને આતંકીઓનો સફાયો કરવામાં સફળતા મેળવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન અગાઉ કહેતા હતા કે કાંઇ નથી થયું એક પણ માણસ મર્યો નથી. પરંતુ તાજેતરમાં જ પીઓકેમાં જઇને તેઓ કહી રહ્યા હતા કે ભારત બાલાકોટ એર સ્ટ્રાઇક કરતા મોટી સ્ટ્રાઇક કરવા અંગે વિચારી રહ્યું છે. તેમણે પણ સ્વીકાર્યું કે, બાલાકોટમાં ભારતે મોટી તબાહી મચાવી હતી.
પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કરતા રાજનાથસિંહે કહ્યુ કે, કલમ 370 ખત્મ થયા બાદ આપણો એક પાડોશી રઘવાયો થયો છે. તે દુનિયાના દેશો સામે કગરી રહ્યો છે કે તેમને બચાવવામાં આવે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ પાકિસ્તાનને કહી દીધું છે કે જાઓ ભારત સાથે બેસીને વાત કરો અહી આવવાની કોઇ જરૂર નથી.