નવી દિલ્હીઃ ભાજપ દિલ્હીના પ્રમુખ મનોજ તિવારીએ દેશની રાજધાનીમાં એનઆરસી લાગુ કરવાની માંગણી કરી છે. મનોજ તિવારીએ કહ્યું કે, દિલ્હીમાં નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝન તૈયાર કરવાની જરૂર છે કારણ કે સ્થિતિ ખતરનાક થઇ રહી છે. ગેરકાયદેસર પ્રવાસીઓ જે અહી વસી ગયા છે તે સૌથી ખતરનાક છે. અમે અહી પણ એનઆરસી લાગુ કરીશું.

મનોજ તિવારીએ આ માંગણી એવા સમયમાં  કરી છે જ્યારે આસામામાં એનઆરસીની ફાઇનલ લિસ્ટ આવી ગઇ છે. આસામની એનઆરસીની અંતિમ યાદી શનિવારે જાહેર કરાઇ હતી જેમાંથી લગભગ 19 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. અંતિમ લિસ્ટમાંથી 19,06,677 લોકોને કાઢવામાં આવ્યા છે.યાદીમાં 3,11,21,004 લોકોને ભારતીય નાગરિક બતાવવામાં આવ્યા છે.


જ્યારે એનઆરસીના આંકડાઓ જાહેર થયા બાદ કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘર પર બેઠક ચાલી રહી છે. આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પૂરો પ્રયાસ કરશે. જેને કારણે આ બેઠકમાં રણનીતિ બનાવવામાં આવી શકે છે. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને ગૌરવ ગોગોઇ પણ સામેલ છે.

વાસ્તવમાં જે 19 લાખ લોકોને એનઆરસીમાં સામેલ કરવામાં આવ્યા નથી તેઓની પાસે હજુ પણ તક છે. આ લોકોને ફોરનર્સ ટ્રિબ્યૂનલમાં 120 દિવસોમાં અપીલ કરવી પડશે. આસામ સરકાર રાજ્યમાં એનઆરસીની અંતિમ યાદીમાંથી કાઢેલા લોકોના મામલાઓને જોવા માટે 400 ફોરનર્સ ટ્રિબ્યૂનલ બનાવશે.