ધૂલે: મહારાષ્ટ્રના ધૂલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 12 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટના શિરપૂર શહેરની છે. જ્યાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં મૃતકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. જ્યારે 58થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્ત લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.


શિરપુર તાલુકાના વાઘદી ગામ સ્થિત ફેક્ટરીમાં લગભગ 100 જેટલા મજૂરો ઘટના સમયે હાજર હતા. ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની છે. આ વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે 10 કિલોમીટર સુધીના ગામો સુધી તેનો અવાજ સંભળાયો હતો. 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ છે.