કાશ્મીરઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાનું નિરીક્ષણ માટે પહોંચ્યા છે. જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ડોભાલે સામાન્ય લોકોને મળ્યા હતા અને રાજ્યની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. એટલું જ નહી આ દરમિયાન ડોભાલે જાહેરમાં સામાન્ય કાશ્મીરીઓ સાથે ભોજન કર્યુ હતું. ન્યૂઝ એજન્સી એએનઆઇએ બે તસવીરો જાહેર કરી છે જેમાં  સ્પષ્ટ દેખાય છે કે અજિત ડોભાલ સામાન્ય લોકો સાથે ભોજન ખાઇ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડોભાલે સુરક્ષાદળો સાથે મુલાકાત કરી હતી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ તે સામાન્ય નાગરિકોને મળ્યા હતા. આ દરમિયાન તે સામાન્ય લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.


વીડિયોમાં તેઓ તે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. ડોભાલે લોકો સાથે કલમ 370 અને કલમ 35એ પર ચર્ચા કરી. ડોભાલે લોકોને પૂછ્યુ હતું તમને શું લાગી રહ્યું છે. તેના પર લોકોએ કહ્યું કે, સારૂ લાગી રહ્યું છે.

નોંધનીય છે કે એક દિવસ અગાઉ જ એટલે કે મંગળવારે ડોભાલે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી હતી અને રાજ્યના આંતરિક તથા બ્રાહ્ય સુરક્ષા પર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીર પુનગઠન બિલ પાસ થયા બાદ ઘાટી પર સરકારની પુરી નજર છે. કારણ કે સરકારે કાશ્મીરમાંથી કલમ 370 ખત્મ કરી દીધી છે જેનાથી ઘાટીમાં કોઇ પ્રકારની અશાંતિ પેદા ના થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.