નવી દિલ્હીઃ બીજેપીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. 67 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજની તબિયત લથડતાં તેમને એઈમ્સ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પાંચ ડોકટરોની ટીમે તેમની સારવાર શરૂ કરી હતી પરંતુ બચાવી શક્યા નહોતા.

નવેમ્બર 2018માં જ્યારે સુષ્મા સ્વરાજે સ્વાસ્થ્યના કારણોસર 2019 લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ત્યારે તેના પતિ સ્વરાજ કૌશલે તેનો આભાર માન્યો હતો. કૌશલે કહ્યું, મેડમ, હવે ચૂંટણી નહીં લડવાના નિર્ણય માટે તમારો આભાર. મને યાદ છે કે મિલખા સિંહે પણ હવે દોડવાનું બંધ કરી દીધું છે. હું પણ તમારી પાછળ 46 વર્ષથી દોડી રહ્યો છું.  હવે હું 19 વર્ષનો યુવા નથી. આ અંગેનું તેમણે ટ્વિટ પણ કર્યું હતું..

સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ સુપ્રીમ કોર્ટના વકીલ છે. દેશમાં સૌથી નાની ઊંમરમાં રાજ્યપાલ બનવાનો રેકોર્ડ તેમના નામ પર છે. માત્ર 38 વર્ષની વયે તેઓ મિઝોરમના રાજ્યપાલ બન્યા હતા. તેઓ ફેબ્રુઆરી 1990થી 1996 સુધી રાજ્યપાલ રહ્યા હતા.


સ્વરાજ કૌશલને ભારતમાં નોર્થ ઈસ્ટ મામલાના જાણકાર માનવામાં આવે છે. 1979માં તેમણે અંડરગ્રાઊન્ડ મિઝો લીડર લાલડેંગાની મુક્તિ શક્ય બનાવી હતી. જે બાદ સરકાર સાથે સમજૂતી વાર્તા માટે તેઓ અંડરગ્રાઉંડ મિઝો નેશનલ ફ્રંટના બંધારણીય સલાહકાર બનાવવામાં આવ્યા. અનેક રાઉન્ડની વાતચીત બાદ મિઝોરમ અસ્તિત્વમાં આવ્યું હતું. તેઓ એક વખત હરિયાણાથી રાજ્યસભા સાંસદ પણ રહ્યા છે. હિમાચલ પ્રદેશના સોલનમાં 1952માં જન્મ થયો હતો. 1975માં તેણે સુષ્મા સ્વરાજ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.