નવી દિલ્હી: સેનાના વડા બિપિન રાવત 31 ડિસેમ્બરે નિવૃત થઈ રહ્યાં છે. એવામાં તેમની ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદ માટે નિયુક્તિ કરવામાં આવી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતાવાળી સમિતિએ આગામી ત્રણ અઠવાડિયામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)ની નિમણૂંકની પ્રક્રિયાને આખરી ઓપ આપશે. જેનાથી સરકારને જાન્યુઆરી સુધી એકીકૃત સૈન્ય સલાહકાર મળવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે.


સેના પ્રમુખ બિપિન રાવત સીડીએસની રેસમાં સૌથી આગળ છે. સરકારી સૂત્રો અનુસાર, જો બધુ યોજના પ્રમાણે ચાલતું રહેશે તો સરકાર તેમને નિવૃતી પહેલા જ દેશના પ્રથમ સીડીએસ જાહેર કરી દેશે.

સીડીએસની નિમણૂંકનો હેતુ ભારત સામે આવનારી સુરક્ષા પડકાર સામે લડવા માટે ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલને વધારવા માટે છે. સૂત્રો અનુસાર, આર્મી, નૌસેના અને વાયુસેનાએ અગાઉથી જ આ નવા પદ માટે સીનિયર કમાન્ડરોના નામોની ભલામણ રક્ષા મંત્રાલયને મોકલી દીધાં છે. સીડીએસની ભલામણ 1999માં કારગિલ સમીક્ષા સમિતિએ આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, સીડીએસનું પદ ‘ફોર સ્ટાર’ જનરલના સમકક્ષ હશે અને તમામ સેનાઓના પ્રમુખોમાં સૌથી ઉપર હશે. પ્રોટોકૉલ મામલે પણ સીડીએસ સૌથી ઉપર હશે. સીડીએસ મુખ્યત્વે: રક્ષા અને રણનીતિક મામલમાં વડાપ્રધાન અને રક્ષા મંત્રીને એકીકૃત સૈન્ય સલાહકાર તરીકે કામ કરશે.