હૈદરાબાદઃ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવાને લઇને તેલંગણા મંત્રિમંડળના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જ્યારે ભાજપે તેને લઘુમતીઓનું તુષ્ટીકરણ ગણાવ્યું હતું. ઓવૈસીએ દાવો કર્યો હતો કે પ્રસ્તાવિત એનપીઆરનું સમાજ કલ્યાણ યોજનાઓ સાથે કાંઇ લેવા દેવા નથી અને આ પુરી રીતે ભવિષ્યમાં એનઆરસીને શરૂ કરવાની કવાયત સાથે જોડાયેલું છે.


ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લમીનના વડાએ કહ્યું કે, હું તેલંગણા સરકાર, મંત્રીમંડળ દ્ધારા કરવામાં આવેલ નિર્ણયનું સ્વાગત કરું છું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પણ કેરલ સરકારની જેમ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર પર રોક લગાવશે. નોંધનીય છે તે ઓવૈસીની પાર્ટી તેલંગણામાં કેસીઆરની સહયોગી છે.

તેલંગણા સરકારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સીએએ વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવાનો નિર્ણય લીધો હતો અને કેન્દ્રને વિનંતી કરી હતી કે તે નાગરિકતા સંશોધન કાયદામાં છેલ્લા વર્ષે કરવામા આવેલા ફેરફાર રદ કરે. ભાજપના મુખ્ય પ્રવક્તા કે. કૃષ્ણાસાગર રાવે કેબિનેટના નિર્ણયને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યો હતો.