નવી દિલ્હી: છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ આવતીકાલે એટલે કે 21 મેથી ‘રાજીવ ગાંધી ન્યાય યોજના’ની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. આવતીકાલે 12 વાગ્યે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ યોજનાની શરૂઆત કરાવશે.

ઉલ્લેખનીય છે કે, 2019 લોકસભા ચૂંટણીથી રાહુલ ગાંધી આ ન્યાય યોજનાની હિમાયત કરતા આવ્યા છે. લોકસભા ચૂટણી દરમિયાન કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ન્યાય યોજના લાવવાની જાહેરાત કરી હતી. તેના હેઠળ દેશના લગભગ 25 કરોડ લોકોના ખાતામાં 7500 રૂપિયા મહિનામાં મોકલવાની યોજના હતી પરંતુ કૉંગ્રેસ સત્તામાં આવી નથી.

કોરોના મહામારીમાં પણ રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને નોબેલ વિજેતા અબિજીત બેનર્જી સાથે દેશની અર્થવ્યવસ્થા પર વાતચીત કરી હતી. તે દરમિયાન પણ ન્યાય યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

હવે છત્તીસગઢના મુખ્યમંત્રી, ‘રાજીવ ગાંધી ન્યાય યોજના’ શરૂ કરવા જઈ રહ્યાં છે. યોજના હેઠળ એક વર્ષમાં 5700 કરોડ રૂપિયા ચાર હપ્તામાં સીધા ગરીબ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જેનાથી 19 લાખ ખેડૂતોને ફાયદો થશે. આ સિવાય શેરડી પકવતા ખેડૂતોને પણ લગભગ 10 કરોડ રૂપિયાનો સીધો ફાયદો છત્તીસગઢ સરકાર દ્વારા મળશે. છત્તીસગઢ સરકાર કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં પ્રથમ એવી સરકાર છે જે ન્યાય યોજના લાગુ કરવા જઈ રહી છે.