Naba Kishore Das Attack News : ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નબા કિશોર દાસને રવિવારના રોજ એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ (ASI) દ્વારા જ ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતાં. મંત્રી દાસને છાતીમાં ગોળી વાગી છે. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે જ્યાં તેની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે. હુમલો કરનાર પોલીસકર્મીની ઓળખ એએસઆઈ ગોપાલ દાસ તરીકે થઈ છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ગોપાલ દાસની પત્ની જયંતિ દાસે મોટો દાવો કર્યો છે.
ગોપાલ દાસની પત્ની જયંતિ દાસનો દાવો છે કે, તે માનસિક રીતે અસ્થિર હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તેણે કહ્યું હતું કે, મને ખબર નથી કે તેની સાથે શું થયું? મને સમાચાર દ્વારા ઘટનાની જાણ થઈ હતી. તેણે રાત્રે 11:00 વાગ્યે અમારી પુત્રીને વિડિયો કૉલ કર્યો હતો. ત્યાર બાદ અચાનક કૉલ ડિસ્કનેક્ટ કરી દીધો અને કહ્યું હતું કે, મારે જવું પડશે. કારણ કે કોઈનો ફોન આવ્યો હતો.
ગોપાલદાસની પત્નીએ બીજું શું કહ્યું?
આરોપી એએસઆઈની પત્નીએ કહ્યું હતું કે, તે દવાઓ લેતો હતો અને સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરતો હતો. તેણે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. તે ચાર-પાંચ મહિના પહેલા તેના વતન ગામડેથી પરત આવ્યો હતો.
મંત્રીની હાલત નાજુક
નાબ કિશોર દાસ ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે રવિવારે આ ઘટના બની હતી. જ્યારે મંત્રી ગાંધી ચોકમાં તેમની કારમાંથી બહાર નીકળ્યા ત્યારે કોન્સ્ટેબલે ઓછામાં ઓછી ચારથી પાંચ ગોળીઓ ચલાવી હતી. આરોપી ASIને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. મંત્રીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
ઓડિશા પોલીસે શું કહ્યું?
ASI આજની ઘટનાની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે તૈનાત હતો અને જ્યારે તેણે ગોળી ચલાવી ત્યારે તે મંત્રીની નજીક હતો. બ્રજરાજનગરના SDPO ગુપ્તેશ્વર ભોઈએ જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI) ગોપાલ દાસે મંત્રી નબા કિશોર દાસ પર ગોળીબાર કર્યો હતો. મંત્રી ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ASI ગોપાલ દાસે પોતાની રિવોલ્વર વડે મંત્રી નબા દાસ પર ગોળીબાર કર્યો હતો.