Odisha : ઓડિશાના ખોરધા જિલ્લાના બાનપુર બ્લોક પાસે શનિવારે ચિલિકા ધારાસભ્ય પ્રશાંત જગદેવ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. તે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે સસ્પેન્ડેડ બીજેડી નેતા પ્રશાંત જગદેવ એ કથિત રીતે ભીડ પર તેની કાર ચડાવી હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે જગદેવના વાહનને ટક્કર મારતાં બે પોલીસકર્મીઓ સહિત 22 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં રોષે ભરાયેલા લોકોએ જગદેવના વાહનની તોડફોડ કરી.






મળતી માહિતી અનુસાર, જગદેવ અધ્યક્ષ ચૂંટણી માટે બાનપુર બ્લોક આવી રહ્યા હતા. ઓફિસની સામે ભારે ભીડ હતી, પરંતુ જગદેવે કથિત રીતે ભીડ પર પોતાનું વાહન ચલાવ્યું હતું, જેમાં ફરજ પરની એક મહિલા પોલીસ કર્મચારી સહિત 22 જેટલા લોકોને ઈજા થઈ હતી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે જગદેવને પણ ગંભીર હાલતમાં બાનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે.


 






હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. બનાવ અંગે ખોરડા પોલીસે તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં તણાવ વચ્ચે કોઈપણ ગેરકાયદેસર પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પ્રશાંત કુમાર જગદેવને ગયા વર્ષે બીજુ જનતા દળે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને ખુર્દા જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ પદ પરથી પણ દૂર કરવામાં આવ્યા હતા.