Odisha Plane Crash: ઓડિશામાં એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash) સર્જાઈ છે, પરંતુ સદનસીબે કુદરતી ચમત્કાર થતા મોટી જાનહાનિ ટળી ગઈ છે. રાઉરકેલાથી મળી રહેલા બ્રેકિંગ ન્યૂઝ અનુસાર, ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહેલું એક પ્રવાસી વિમાન અચાનક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રાહતની વાત એ છે કે આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. પ્રાપ્ત વિગતો મુજબ આ વિમાન કુલ 9 સીટની ક્ષમતા ધરાવતું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાં 6 મુસાફરો અને 1 પાયલોટ (Pilot) નો સમાવેશ થાય છે. અકસ્માત બાદ તરત જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામ મુસાફરોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જેને લોકો એક ચમત્કાર ગણાવી રહ્યા છે.

Continues below advertisement

આ ઘટના અંગે વધુ વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે આ વિમાન 'ઈન્ડિયા વન એર' (India One Air) કંપનીનું હતું. વિમાન ભુવનેશ્વરથી ઉડાન ભરીને પોતાના નિયત સમય મુજબ રાઉરકેલા એરપોર્ટ પર ઉતરાણ કરવા જઈ રહ્યું હતું. જોકે, લેન્ડિંગ પહેલાં જ રાઉરકેલાથી આશરે 10 થી 15 કિલોમીટર દૂર કોઈ અગમ્ય કારણોસર વિમાન ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિમાન જમીન પર પટકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉડ્ડયન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ ટેકનિકલ ખામી હતી કે ખરાબ હવામાન, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ભુવનેશ્વરથી પ્રવાસન વિભાગ અને ઉડ્ડયન સુરક્ષાની એક ઉચ્ચ સ્તરીય ટીમ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે. સત્તાવાર તપાસ બાદ જ વિમાન તૂટી પડવાના સાચા કારણો બહાર આવશે. જોકે, આટલી ઊંચાઈએથી વિમાન તૂટી પડવા છતાં તમામ 7 લોકો જીવિત બચ્યા છે, તે ઘટનાને ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો અને સ્થાનિક લોકો એક ઈશ્વરીય ચમત્કાર માની રહ્યા છે. હાલમાં બચાવ કામગીરી અને ઘાયલોની સારવાર પ્રાથમિકતાના ધોરણે ચાલી રહી છે.