Odisha Train Accident: 2 જૂનના રોજ ઓડિશાના બાલાસોર (કોરોમંડલ ટ્રેન અકસ્માત) માં એક ભયાનક રેલવે અકસ્માત થયો, જેમાં 288 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દુર્ઘટના સ્થળ પર હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે જે લોકોના મોત થયા છે અને જે લોકો ઘાયલ થયા છે તેમને સરકાર અને રેલવે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપની દ્ધારા કેટલી સહાય આપવામાં આવશે. અહીં અમે તે રેલવે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપની વિશે વાત કરી રહ્યા છીએ જે આપણને ટિકિટ બુક કરાવતી વખતે 35 પૈસામાં મળે છે.


સરકાર કેટલું વળતર આપે છે?


આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને 12 લાખ રૂપિયાનું વળતર મળશે. આ દુર્ઘટના બાદ રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે તે મૃતકોના પરિવારજનોને 10 લાખનું વળતર આપશે અને PMNRF તરફથી મૃતકોને 2 લાખનું વળતર પણ આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલોને રેલવે તરફથી 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, જ્યારે સામાન્ય રીતે ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. બીજી તરફ, PMNRF દ્વારા તમામ ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.


35 પૈસાના ટ્રાવેલ વીમાનું શું થશે?


જ્યારે પણ તમે રેલ્વે ટિકિટ ઓનલાઈન બુક કરો છો, ત્યારે તમને ટિકિટની સાથે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાનો વિકલ્પ પણ મળે છે, જેની કિંમત માત્ર 35 પૈસા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ઓડિશા બાલાસોર રેલ્વે અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલોને આ ટ્રાવેલ વીમાનો શું ફાયદો થશે.


જો તમે ટિકિટ બુક કરાવતી વખતે આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લો છો, તો અકસ્માતમાં તમારો જીવ ગુમાવ્યા પછી તમારા પરિવારના સભ્યોને વીમા કંપની તરફથી 10 લાખ રૂપિયાનું વળતર મળે છે. વાસ્તવમાં, IRCTC વેબસાઈટ જણાવે છે કે આ ટ્રાવેલ વીમો કલમ 123, 124 અને 124A હેઠળ ટ્રેન અકસ્માત માટે રાખવામાં આવ્યો છે અને તેની યોગ્યતા રેલવે એક્ટ 1989 મુજબ નક્કી કરવામાં આવી છે.


ક્યારે, કોને કેટલું વળતર મળે છે?


રેલ્વે ટિકિટ બુક કરાવતી વખતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેનારા લોકોના સંબંધીઓને મુસાફરના મૃત્યુ બાદ 10 લાખ રૂપિયાનું વળતર મળે છે. જે યાત્રી દુર્ઘટનામાં સંપૂર્ણ રીતે દિવ્યાંગ થવા પર 10 લાખ રૂપિયાનું વળતર મળે છે. જ્યારે, આંશિક કાયમી દિવ્યાંગના કિસ્સામાં મુસાફરને 7.5 લાખ રૂપિયાનું વળતર મળે છે. બીજી બાજુ જો તમે રેલ્વે અકસ્માતમાં ઘાયલ થાવ છો તો તમને હોસ્પિટલ ખર્ચના નામે 2 લાખ રૂપિયાનું વળતર મળે છે.


ટ્રાવેલ વીમો મેળવવા માટેની પૂર્વ શરતો શું છે?


માત્ર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાથી તમને વળતર નહીં મળે આ માટે કેટલીક મહત્વની શરતો છે જે તમારે પૂરી કરવી પડશે, તે પછી જ તમને આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાંથી વળતર મળશે. આઈઆરસીટીસીની વેબસાઈટ અનુસાર, આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલી આ સુવિધા માત્ર ઈ-ટિકિટ બુક કરાવનારાઓને જ લાગુ પડે છે. એટલે કે આ તમને ત્યારે જ મળશે જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરશો. બીજું, જો એક PNR નંબર પરથી બુક કરાયેલી તમામ ટિકિટ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવામાં આવે છે, તો તે તમામ ટિકિટો પર સમાન રીતે લાગુ થશે. ટ્રાવેલ વીમાની આ સુવિધા માત્ર કન્ફર્મ, CNF અથવા RAC માટે છે.