Coromandel Express Accident : ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 261થી વધુ લોકોના મોત થયા હતા અને 900થી વધુ લોકો ઘાયલ થયા હતા. બે પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન વચ્ચેની ભયાનક ટક્કર બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે આ અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં અકસ્માત પાછળ સિગ્નલ સંબંધિત ભૂલ જણાવવામાં આવી છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બહાનાગા બજાર સ્ટેશન પર લૂપ લાઇનમાં એક માલગાડી ઉભી હતી. એટલામાં કોરોમંડલ એક્સપ્રેસ (12841) સ્ટેશન પર પહોંચી. જ્યારે બીજી ટ્રેન આગળ મોકલવાની હોય ત્યારે એક ટ્રેનને લૂપ લાઇનમાં ઊભી રાખવામાં આવે છે. બહાનાગા રેલવે સ્ટેશન પર પણ આવી જ સ્થિતિ હતી. કોરોમંડલ એક્સપ્રેસને ફોરવર્ડ કરવા માટે લૂપ સ્ટેશન પર ટ્રેન ઊભી રાખવામાં આવી હતી.


જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અગાઉ અપ મેઈન લાઈનમાં કોરોમંડલ એક્સપ્રેસને સિગ્નલ મોકલવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તે પાછી ખેંચી લેવામાં આવી હતી. ત્યાં સુધીમાં કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇન પર આવી પહોંચી અને ત્યાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ. માલગાડી ટ્રેન સાથે અથડાયા બાદ તેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.


પ્રત્યક્ષદર્શીએ વર્ણવ્યુ ભયાનક દુર્ઘટના દ્રશ્ય


કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર એક મુસાફર અનુભવ દાસે આ ભયાનક અકસ્માતના પ્રત્યક્ષદર્શીનું વર્ણન કર્યું છે. દાસે અનેક ટ્વિટ કરી વિગતવાર જણાવ્યું હતું કે, અકસ્માત કેવી રીતે સર્જાયો હતો. તેણે કહ્યું હતું કે, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસના ભયાનક અકસ્માતનો ભોગ બનવા છતાં હું સુરક્ષિત રીતે બચી ગયો. આ કદાચ સૌથી મોટો ટ્રેન અકસ્માત છે. તેણે લખ્યું, 'મેં ટ્રેક પર 200 થી 250 મુસાફરોના મૃતદેહ વિખરાયેલા જોયા. ક્ષત-વિક્ષર મૃતદેહોનો ઢગલો હતો અને આખા ટ્રેક પર લોહી ફેલાયેલું હતું. આવા ભયાનક દ્રશ્યને હું ક્યારેય નહીં ભૂલી શકું.


રૂટ પર આર્મર સિસ્ટમ ન હતી


ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે, જેનું નેતૃત્વ રેલવે સુરક્ષા કમિશનર, દક્ષિણ-પૂર્વ બ્લોક કરશે. રેલવે સુરક્ષા કમિશનર નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરે છે અને આવા તમામ અકસ્માતોની તપાસ કરે છે. રેલ્વેએ જણાવ્યું હતું કે, આ રૂટ પર ટ્રેનોને અથડાતા અટકાવવા માટેની સિસ્ટમ 'કવચ' ઉપલબ્ધ નથી. ભારતીય રેલ્વેના પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. અમે હવે પુનઃસ્થાપન પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. આ માર્ગ પર આર્મર સિસ્ટમ ઉપલબ્ધ ન હતી. રેલ્વે તેના નેટવર્કમાં 'કવચ' સિસ્ટમ પ્રદાન કરવાની પ્રક્રિયામાં છે જેથી ટ્રેનોની અથડામણને કારણે અકસ્માતો ન થાય.