Omicron Cases In India: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે આ પત્રમાં કહ્યું છે કે ઓમિક્રોન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતા ત્રણ ગણો ઝડપથી ફેલાય છે. તેથી, સ્થાનિક અને જિલ્લા સ્તરે ડેટા વિશ્લેષણ, કડક અને તાત્કાલિક નિયંત્રણની જરૂર છે.


રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નાઇટ કર્ફ્યુ લાદવા, મોટા મેળાવડાઓનું કડક નિયમન, લગ્ન અને અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપનાર લોકોની સંખ્યામાં ઘટાડો કરવા ઉપરાંત પરીક્ષણ અને દેખરેખ વધારવા જેવા વ્યૂહાત્મક નિર્ણયો લાગુ કરવા સલાહ આપી  છે. 


ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ ગતિ પકડી રહ્યા છે. મંગળવાર બપોર સુધીમાં દેશમાં ઓમિક્રોનના 200થી વધુ કેસ (Omicron Cases) નોંધાઇ ગયા છે. આમાં સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હીમાં ઓમિક્રોનના 54થી વધુ કેસ નોંધાયા છે જેમાંથી 12 દર્દીઓ સાજા થયા છે અને અન્દય ર્દીઓ હોસ્પિટલમાં અને આઇસોલેશનમાં છે. 


દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 216 કેસની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65 કેસ છે. જ્યારે દિલ્હીમાં 54 કેસની પુષ્ટિ થઈ છે. તેલંગાણામાં આ પ્રકારના 20 કેસ, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15 અને ગુજરાતમાં 14 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સતત બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે સામૂહિક મેળાવડા અને નવા વર્ષની ઉજવણી મોટા પાયે કરવાની જરૂર નથી.


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 87  કેસ


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 87  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 73  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,010  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 2,16,650 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 33, સુરત  કોર્પોરેશન 12, વડોદરા  કોર્પોરેશનમાં 11, રાજકોટ કોર્પોરેશનમાં 6, ખેડા 5, વલસાડ 5, નવસારી 4, આણંદ 3,  ગાંધીનગર કોર્પોરેશનમાં 2, કચ્છ 2, ભરુચ 1, જામનગર કોર્પોરેશન 1,  મહેસાણામાં 1, રાજકોટ 1  નવો કેસ નોંધાયો હતો.