નવી દિલ્હી:  તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયનને મંગળવારે રાજ્યસભામાંથી (Rajya Sabha) શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેરેક ઓ બ્રાયને સ્પીકરની ખુરશી તરફ  નિયમોનુ પુસ્તક  (Rule Book) ફેંક્યું હતું. તેમણે ગૃહમાં ચૂંટણી સુધારણા બિલ  પસાર કરતી વખતે રૂલ બુક ફેંકી દીધી હતી.


સંસદીય બાબતોના રાજ્ય મંત્રી વી મુરલીધરને ગૃહમાં વર્તમાન શિયાળુ સત્રની કાર્યવાહીમાંથી ડેરેક ઓ'બ્રાયનને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી, જેને બહુમતીથી પસાર કરવામાં આવી હતી.


તેમના સસ્પેન્શન બાદ ડેરેક ઓ'બ્રાયને ટ્વીટ કરીને કહ્યું હતું કે, "છેલ્લી વખતે મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો જ્યારે સરકારે બળજબરીથી એગ્રીકલ્ચર એક્ટ લાવ્યો હતો. તે પછી શું થયું તે આપણે બધાએ જોયું. આજે ત્યારે સસ્પેન્ડ થયો જ્યારે ભાજપ સંસદની મજાક ઉડાવતા  બળજબરીથી ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ 2021 પસાર કરી રહ્યું હતું ત્યારે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હું તેનો વિરોધ કરી રહ્યો હતો. આશા છે કે આ બિલ પણ જલ્દી પાછું ખેંચી લેવામાં આવશે."


મંગળવારે કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુએ (Kiren Rijiju) રાજ્યસભામાં ‘ચૂંટણી કાયદા (સંશોધન) બિલ, 2021’ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કર્યું હતું. આ બિલમાં આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે લિંક કરવાની વાત કરવામાં આવી છે. વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન ડેરેક ઓ બ્રાયને સેક્રેટરી જનરલ પર રૂલ બુક ફેંકી હતી. જો કે, વિપક્ષના હોબાળા વચ્ચે ચૂંટણી કાયદો (સુધારા) બિલ 2021 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ આ બિલ લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે.



આ વિધેયકમાં એવી જોગવાઈ છે કે 18 વર્ષના યુવાનો હવે વર્ષમાં 4 વખત મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકશે. 1 જાન્યુઆરીની સાથે જ યુવાઓ 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરના રોજ પણ મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકશે. આ સાથે ટૂંક સમયમાં યુવાનોના વોટર આઈડી કાર્ડ બનાવવામાં આવશે. અત્યાર સુધી વર્ષમાં એકવાર એટલે કે 1 જાન્યુઆરી પહેલા, વ્યક્તિ 18 વર્ષની ઉંમરે પોતાને મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.