નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) ના ઓમિક્રોન  (Omicron) વેરિઅન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં 17 રાજ્યોમાં અત્યાર સુધીમાં 358 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જેમાંથી 114 દર્દીઓ સાજા થયા છે. 244 દર્દીઓની સારવાર ચાલી રહી છે.


અધિકારીએ કહ્યું કે 183 ઓમિક્રોન કેસનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 183માં  87 એ રસીના બંને ડોઝ લીધા હતા. જેમાંથી 3 લોકોએ બુસ્ટર ડોઝ પણ લીધો હતો.જ્યારે  7 એ રસીનો એક પણ ડોઝ લીધો નથી. 121 લોકોએ વિદેશ પ્રવાસ કર્યો હતો. 44 લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી પરંતુ તેઓ સંપર્કમાં આવ્યા હતા.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે. તેથી આપણે સાવચેત અને સાવધાની રાખવી જોઈએ. યુરોપ, ઉત્તર અમેરિકા, આફ્રિકામાં કેસ વધી રહ્યા છે પરંતુ એશિયામાં કેસ ઘટી રહ્યા છે. ભારતમાં બે લહેર આવી ચૂકી છે. પ્રથમ સપ્ટેમ્બર 2020માં અને બીજી મે 2021માં. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં વિશ્વના 108 દેશોમાં 1,51,000 થી વધુ ઓમિક્રોન કેસ નોંધાયા છે અને 26 લોકોના મોત થયા છે. યુકે, ડેનમાર્ક, કેનેડા, નોર્વે અને જર્મનીમાં સૌથી વધુ કેસ છે.


દિલ્હી નજીક આવેલા ગૌતમ બુદ્ધ નગરમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે. જેને લઈને પોલીસ કમિશનરે આદેશ જાહેર કર્યા છે. સાથે જ ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જે મૂજબ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સાર્વજનિક જગ્યાઓ પર કોઈ પણ પ્રકારની ગતિવિધિને મંજૂરી નહી આપવામાં આવે. કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના જોતા કલમ 144ને વધારી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. 



આગામી ચૂંટણી, તહેવારો અને નવા વર્ષને કારણે જિલ્લામાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 વધારવામાં આવી હતી. પોલીસ ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરશે.  લગ્નમાં વધુમાં વધુ 100 લોકોને મંજૂરી આપવામાં આવશે. કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવા માટે પરવાનગી લેવાની રહેશે. પરવાનગી વગર કાર્યક્રમ યોજવા પર પોલીસ કાર્યવાહી કરશે.