મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના નવા કેસમાં મોટો વધારો થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે 23 નવા કેસની પુષ્ટિ થઈ છે. પિંપરી-ચિંચવાડમાં 11, મુંબઈમાં 5, પુણેમાં 3, ઉસ્માનાબાદમાં 2 અને થાણે, નાગપુર અને મીરા ભાયંદરમાં 1-1 કેસ નોંધાયા છે. ઓમિક્રોન રાજ્યમાં અત્યાર સુધીમાં 88 કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોવિડ 19 ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી છે.


નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવ્યું હતું કે નવો વેરિઅન્ટ ઓમિક્રોન બહાર આવ્યો ત્યારથી નાઇટ કર્ફ્યુ લાદવાની ઉચ્ચ સ્તરે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, "આપણે બાબતોને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ફરી લોકડાઉન નથી ઈચ્છતા. અમે ગૃહમાં દરેકને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને માસ્ક પહેરો. હું વિપક્ષના નેતાઓને આ મુદ્દે જવાબદારીપૂર્વક બોલવાની વિનંતી કરું છું." 


પવારે કહ્યું, "થોડા ધારાસભ્યોને છોડીને, ઘણા લોકોએ માસ્ક પહેર્યા નથી. જો હું માસ્ક નહીં પહેરું તો મને બહાર ફેંકી દો. અહીં જે પણ થઈ રહ્યું છે તે આખું મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે, પરંતુ ઓછામાં ઓછું બોલ્યા પછી માસ્ક પહેરવું જોઈએ.


કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા  કરતાં ઓછામાં ઓછું ત્રણ ગણું વધુ ચેપી છે. ગુરુવારે જ, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા અને કેસની સકારાત્મકતા, બમણા દર અને નવા કેસોના ક્લસ્ટર પર નજર રાખવા અને ક્રિસમસ અને નવા વર્ષ પહેલાં સ્થાનિક સ્તરે નિયંત્રણો લાદવાની સલાહ આપી હતી.


ગુજરાતમાં કોરોનાના  કેસનો આંકડો 100ને પાર 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.  પાંચ મહિના બાદ ગુજરાતમાં કોરોનાના કેસ 100ને પાર થયા છે.   છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 111  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 78  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,129  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 2,13,972 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 43, સુરત  કોર્પોરેશન 17, રાજકોટ   કોર્પોરેશનમાં 11,વડોદરા કોર્પોરેશન 10,  કચ્છ 5, વલસાડ 5, ખેડા 4, નવસારી 4, આણંદ 3, રાજકોટ 3, મહીસાગર 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, વડોદરા 1 નવો કેસ નોંધાયો હતો.



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 668  કેસ છે. જે પૈકી 12 વેન્ટીલેટર પર છે, જ્યારે 656 નાગરિકો સ્ટેબલ છે. 8,18,129  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10108 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે આણંદ 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 676 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5878 લોકોને પ્રથમ અને 47900 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20924 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 138591 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,13,972 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,78,97,734 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.