Omicron Case in India:  કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે. વિશ્વમાં ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં કોરોના મહામારીએ ઉથલો માર્યો છે અને દૈનિક કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં પણ 12 રાજ્યોમાં નવા વેરિઅન્ટના 143 મામલા મળ્યા છે. આ દરમિયાન નેશનલ કોવિડ સુપર મોડલ કમિટી (National Covid-19 Supermodel Committee)એ કોવિડની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. કમિટી અનુસાર કોરોનાની ત્રીજી લહેર 2022ના ફેબ્રુઆરી મહિના સુધીમાં આવી શકે છે.


નેશનલ કોવિડ-૧૯ સુપરમોડેલ સમિતિએ જણાવ્યું હતું કે, આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. જોકે, દેશમાં મોટાપાયે ઈમ્યુનિટીના કારણે બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરની વિકરાળતા ઓછી હશે. ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે. ડેલ્ટા વેરિઅન્ટની જગ્યાએ ઓમિક્રોન વેરિઅન્ટ અસરકારક રીતે ફેલાવાનું શરૂ થતાં દેશમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા વધશે.



ત્રીજી લહેરમાં શું થશે


હૈદરાબાદ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું કે, ભારતમાં બીજી લહેરની સરખામણીમાં દૈનિક કેસ વધુ આવવાની શક્યતા ઓછી છે. સીરો સરવે મુજબ દેશમાં મોટાભાગની વસતી ડેલ્ટા વેરિઅન્ટના સંપર્કમાં આવી ગઈ છે. હવે અમારો સીરો-પ્રીવલેન્સ ૭૫થી ૮૦ ટકા છે, ૮૫ ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને ૫૫ ટકાએ બંને ડોઝ લીધા છે. તેથી ત્રીજી લહેરમાં કોરોનાના દૈનિક કેસ બીજી લહેર જેટલા વધુ નહીં હોય.


ભારતમાં શું છે ઓમિક્રોનની સ્થિતિ


ભારતમાં શનિવારે કર્ણાટકમાં ઓમિક્રોનના છ, કેરળમાં ચાર અને મહારાષ્ટ્રમાં ત્રણ નવા કેસ આવતા દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૧૨૮ થઈ ગયા છે. કર્ણાટકમાં ઓમિક્રોનના નવા છમાંથી એક દર્દી બ્રિટનથી આવ્યો હતો જ્યારે અન્ય પાંચ બે શૈક્ષણિક સંસ્થામાં નોંધાયા હતા. કર્ણાટકની બે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓમિક્રોનની સાથે કોરોનાના ૩૩ નવા કેસ સામે આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહારાષ્ટ્રમાં યુગાન્ડાથી સતારા પાછું ફરેલું એક દંપતી અને તેમની ૧૩ વર્ષની પુત્રી ઓમિક્રોનથી સંક્રમિત થયાની પુષ્ટી થઈ છે. દંપતીની પાંચ વર્ષની અન્ય એક પુત્રી પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. જોકે, બાળકી ઓમિક્રોનથી સંક્રમિત નથી.