હેમ્બર્ગઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જર્મનીના હેમ્બર્ગ સ્થિત બૂસેરિયસ સમર સ્કૂલમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેણે એક બાજુ મોદી સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર તેના વિચાર વ્યક્ત કર્યા.


લોકસભામાં પીએમ મોદીને ગળે લગાવવાના સવાલ પર તેમણે કહ્યું, અહિંસા ભારતનું દર્શન છે અને ભારતીય હોવાની ઓળખ છે. મારી સામે પીએમ મોદી નફરત ફેલાવતી ટિપ્પણીઓ કરી રહ્યા છે. મેં તેમના પ્રત્યે સ્નેહ દર્શાવ્યો. જોકે મોદીને ગળે લગાવવાનું પગલું મારી પાર્ટીના કેટલાંક સભ્યોને પસંદ ન આવ્યું. હું આ અંગે તેમની સાથે અસહમત પણ છું.

રાહુલે નોટબંધી અને જીએસટીને લઈ પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, નોટબંધી અને જીએસટીથી એમએસએમઈમાં રોકડ પ્રવાહ બંધ થઈ ગયો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં લાખો લોકો બેકાર થઈ ગયા. નાનો વેપાર કરતાં અનેક લોકોને શહેરોમાંથી બિસ્તરાં બાંધીને ગામમાં પરત આવવું પડ્યું. તેનાથી ઘણા લોકો નારાજ છે. મોબ લિંચિંગ અંગે આપણે જે કંઈ સાંભળીએ છીએ તે આનું જ પરિણામ છે.

રાહુલે એમ પણ કહ્યું કે, મેં જ્યારે શ્રીલંકામાં મારા પિતાના હત્યારાને મૃત પડેલો જોયો ત્યારે મને સારું નહોતું લાગ્યું. કારણકે મેં તેના બાળકને રડતો જોયો હતો. લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (લિટ્ટે)ના પ્રમુખ વી પ્રભાકરણ રાજીવ ગાંધીની હત્યા માટે જવાબદાર હતો. તેને શ્રીલંકન સેનાએ 2009માં ઠાર કર્યો હતો.