નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના દોષિતોની ફાંસીની સજા માફ કરવાની વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહની અપીલ પર નિર્ભયાની માતા આશા દેવીએ આકરી પ્રતિક્રિયા આપી છે. આશા દેવીએ મીડિયા સાથેની વાતચીતમાં આ નિવેદનને લઈ કહ્યું કે, સમગ્ર દેશ ઈચ્છે છે કે નિર્ભયાના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટકાવી દેવા જોઈએ, એવામાં ઈન્દિરા જયસિંહ આવી સલાહ આપનારાં કોણ છે. આશા દેવીએ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેઓ મહિલા થઈને એક મહિલાનું દર્દ નથી સમજી શકતા. આવા લોકોને સમગ્ર દેશની માફી માંગવી જોઈએ.

નિર્ભયાની માતાએ કહ્યું કે, હું એ વિચારી પણ નથી શકતી કે ઈન્દિરા જયસિંહએ કેવી રીતે નિર્ભયાના દોષિતોને માફ કરવાની અપીલ કરી. હું સુપ્રીમ કોર્ટમાં તેમને અનેકવાર મળી છું, પરંતુ એકવાર પણ તેમણે આ વિશે મારી સાથે વાત નથી કરી અને આજે તેઓ દોષિતોને માફ કરવાની વાત કરી રહ્યાં છે. હું હેરાન છું.

વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે, હું આશા દેવીનું દર્દ પૂરી રીતે સમજું છું. તેમ છતાંય હું તેમને અપીલ કરું છું કે તેઓ સોનિયા ગાંધીના ઉદાહરણનું અનુકરણ કરે, જેઓએ નલિનીને માફ કરી દીધી અને કહ્યું કે તેઓ તેમના માટે મૃત્યુદંડ નથી ઈચ્છતા. અમે આપની સાથે છીએ, પરંતુ મૃત્યુદંડની વિરદ્ધ છીએ.


સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહની સલાહ પર હવે નિર્ભયાની મમ્મીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “મને સલાહ આપવાવાળા ઈન્દિરા જયસિંહ છે કોણ? આખો દેશ દોષિતોને ફાંસી મળે તેમ ઈચ્છે છે. આવા લોકોના કારણે જ રેપ પીડિતાઓ સાથે ન્યાય થઈ શકતો નથી.”

નિર્ભયાની માતાએ આગળ કહ્યું, હું ક્યારેય આ નરાધમોને માફ નહીં કરું. ભગવાન નીચે આવીને કહે કે, આશા આ નરાધમોને માફ કરી દે તો પણ માફી નહીં આપું. વિશ્વાસ નથી થતો કે, ઈન્દિરા જયસિંહ મને આવી સલાહ આપવાની હિંમત કેવી રીતે કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ફાંસીમાં વિલંબને લઈ દિલ્હીમાં રાજકારણ પણ ખેલાવવાનું શરૂ થઈ ગયું છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. આ ગુનેગારોને હવે 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. આ ચારેયને અગાઉ 22 જાન્યુઆરીએ ફાંસીની સજા થવાની હતી પરંતુ એક દોષિતે દયા અરજી દાખલ કરી હતી. દયા અરજી નામંજૂર થયા બાદ નવું ડેથ વોરંટ જાહેર કરવું પડે છે. એવામાં ફાંસીની તારીખ આગળ ઠેલાઈ છે.