નવી દિલ્લીઃ દક્ષિણ દિલ્લીમાં સિરીફોર્ટ ઓડિટોરિયમની પાસે એક મહિલા અને તેના મિત્રને એક વ્યક્તિએ ગોળી મારી દીધાની ઘટના સામે આવી છે. હુમલાખોર મહિલાનો પીછો કરી રહ્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, મહિલા અને તેના મિત્રને ઘાયલ કર્યા બાદ આરોપીએ જાતે જ પોતાને ગોળી મારી દીધી હતી. ત્રણેયને એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસના કહેવા પ્રમાણે, નોઇડાના એક કોલસેન્ટરમાં કામ કરતી કાજલ અને જતિન સરકાર એક પાર્ક બેઠા હતા ત્યારે આરોપી તેમની પાસે આવ્યો હતો અને તેમની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં આરોપીએ તેમના પર ગોળી ચલાવી દીધી હતી.
આરોપી સીઆઇએસએફ કોન્સ્ટેબલનો દીકરો છે અને તેણે પિતાની ગનથી ગોળીઓ ચલાવી હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. આરોપીએ પોતાના માથામાં ગોળી મારી હતી.