કાશ્મીરના બડગામમાં આતંકી ઠેકાણાનો પર્દાફાશ, લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 May 2020 11:58 AM (IST)
આંતકી ઝહૂર વાનીને અન્ય આતંકી યૂસુફ કાંતારુનો નજીકનો સહયોગી ગણવામાં આવે છે. ઝહૂર, યૂસુફને પરિવહન સહિતની જરૂરી સેવા ઉપલબ્ધ કરાવતો હતો.
શ્રીનગરઃ સેનાના કાશ્મીર ઘાટીમાં મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ કાશ્મીરના બડગામાં આતંકી અડ્ડાનો પર્દાફાશ કરીને લશ્કર-એ-તૈયબાના આતંકી ઝહૂર વાનીની ધરપકડ કરી છે. સેનાએ તેની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ કબજે કર્યો છે. આતંકી ઝહૂરે તેના ઘરથી 200-300 મીટરના અંતરે જ અડ્ડો બનાવ્યો હતો. આંતકી ઝહૂર વાનીને અન્ય આતંકી યૂસુફ કાંતારુનો નજીકનો સહયોગી ગણવામાં આવે છે. ઝહૂર, યૂસુફને પરિવહન સહિતની જરૂરી સેવા ઉપલબ્ધ કરાવતો હતો. યૂસુફ બડગામ અને બારામૂલામાં સક્રિય છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ગ્રુપ થોડા મહિનાથી આ વિસ્તારમાં સક્રિય હતું. સુરંગમાંથી મળેલો સામાન જોઈને લાગે છે કે આતંકી અનેક દિવસોથી અહીં રોકાયા હતા. આ સુરંગ ઝહૂર વાનીના ઘરની એકદમ નજીક છે. વાની લાંબા સમયથી આતંકીઓની મદદ કરતો હતો. હિઝબૂલ મુઝાહિદ્દીન કમાંડર રિયાઝ નાઈકૂના ખાતમા બાદ સુરક્ષા એજન્સીઓ ફરીથી સક્રિય થઈ ગઈ છે. કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ આતંકી અને હિઝબુલના ટોપ કમાન્ડર રિયાઝ નાઈકૂ પર સેનાએ 12 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ હતું.