નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરના રજૌરીમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધ વિરામ ભંગમાં ભારતીય જવાન સુધીશ કુમાર શહીદ થયા છે. તે એલઓસી પર ડ્યુટી પર હતા.  પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં બે વાર એલઓસી પર યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. સુધીશના પાર્થિવદેહને તેમના ગામ લઈ જવામાં આવશે.




સર્જિકલ સ્ટ્રાઈક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરાવ થતાં પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું છે. રજૌરીના નૌશેરા સેક્ટર પાસે એલઓસી પર રવિવારે સવારે અને સાંજે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. પણ સાંજે થયેલા ફાયરિંગમાં સુધીશને લાગેલી ગોળી ઘાતકી સાબિત થઈ અને તેઓ શહીદ થઈ ગયા.

24 વર્ષના સુધીશ કુમાર ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાના નખાસા વિસ્તારના પંસુખા ગામના હતા. સુધીશ કુમાર 6 રાજપૂત રેજિમેંટના સિપાહી હતા. સુધીશ કુમારની પત્ની અને માતા છે.

પાકિસ્તાનના કબ્જા વાળા કશ્મીરમાં ભારતીય સેનાના સર્જિકલ હુમલા બાદ પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત યુદ્ધ વિરામનો ભંગ થઈ રહ્યો છે. રક્ષા જાણકારનું કહેવું છે કે સર્જિકલ સ્ટ્રાઈક પાકિસ્તાન માટે પૂરતી નથી.

રજૌરીના નૌશેરામાં એલઓસી પર જ્યાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઈ રહી છે ત્યાં સેનાની અગ્રીમ પોસ્ટ છે. જમ્મુ-કશ્મીરમાં એલઓસી 740 કિમી લાંબી છે. નૌશેરામાં એલઓસીનો વિસ્તાર 35થી 40 કિમી લાંબો છે. નૌશેરાની સામે જ એલઓસી પાર કરીને પીઓકેનું ભિંબર આવે છે. જ્યાં સેનાએ 28 સપ્ટેંબરના રોજ સર્જિકલ સ્ટ્રાઈક કરી આતંકીઓને માર્યા હતા.