નવી દિલ્હી: કેંદ્ર સરકાર દ્વારા આજે આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં નાના ખેડૂતો, પરપ્રાંતિય શ્રમિકો, ફેરિયા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પરપ્રાંતીય મજૂરોને સરળતાથી કોઈ પણ રાજ્યમાં રેશન મળી રહે તે માટે 'વન નેશન-વન રેશન'કાર્ડ યોજનાની પણ આજે જાહેરાત કરવામાં આવી છે.




નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે પ્રવાસી મજૂરો માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં પ્રવાસી મજૂરોને 2 મહિના સુધી ફ્રી રાશન મળશે. જેમાં કાર્ડ હોલ્ડરને ઘઉં-ચોખા પહેલાથી જ આપવામાં આવે છે તે ચાલતું રહેશે અને જેમની પાસે કાર્ડ નથી તેમને પણ 5 કિલો ચોખા અને 1 કિલો ચણા આપવામાં આવશે. આ અનાજ રાજ્ય સરકારની મદદથી મજૂરો સુધી પહોંચશે.



આ સિવાય સરકાર પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે પીએમ આવાસ હેઠળ ટુંક સમયમાં રેન્ટલ હાઉસિંગ સ્કીમ લાવશે. આ યોજનાથી ગરીબોને ઓછા ભાડામાં રહેવા માટે ઘર મળશે.

આ યોજનાથી એ શ્રમિકોને પણ લાભ થશે જેમની પાસે કોઈ પણ પ્રકારનું કાર્ડ નથી. આ સાથે જ સરકાર વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરશે જેથી આ પ્રકારની આફત સર્જાય તો કોઈપણ પરપ્રાંતિયને અનાજ મેળવવામાં તકલીફ ન પડે. લોકો જ્યાં હોય ત્યાંથી પણ અનાજ મેળવી શકે. આ અમલવારી માર્ચ 2021થી દેશભરની રાશનની દુકાનોમાં શરુ થઈ જશે.