નવી દિલ્હીઃ સરકારે સંસદમાં શુક્રવારે કહ્યું કે, એક દેશ રેશન કાર્ડ યોજના હેઠળ આખા દેશમાં એક જૂનથી એક રેશન કાર્ડ લાગુ કરી દેવામાં આવશે. આ યોજના હાલમાં 12 રાજ્યોમાં લાગુ છે. ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક સવાલના જવાબમાં કહ્યું કે, ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને દેશમાં ક્યાંય પણ રેશન લેવાની સુવિઝા આપવા માટે ‘એક દેશ એક રેશન કાર્ડ’ યોજનાને આગામી એક જૂનથી લાગુ કરવામાં આવશે. પાસવાને કહ્યું કે, 2013માં 11 રાજ્યોમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો લાગુ થયા બાદ હવે તેના દાયરામાં તમામ રાજ્ય આવશે.


પાસવાને કહ્યું કે, આ યોજનાના આગામી તબક્કામાં સરકારે આખા દેશ માટે એક જ રેશન કાર્ડ જાહેર કરવાની યોજના ગત એક જાન્યુઆરીના રોજ 12 રાજ્યોમાં લાગુ કરી હતી. જેમાં આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલ, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, ત્રિપુરા, ગોવા, ઝારખંડ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. તેમણે કહ્યુ કે, એક દેશ અને એક રેશન કાર્ડ માટે નવું કાર્ડ લેવાની જરૂર નહી પડે.