નવી દિલ્હીઃ વર્ષ 2017માં દેશભરમાં એક ટેક્સ સિસ્ટમ ગુડ્સ એન્ડ સર્વિસિઝ જીએસટી લાગુ કરવામાં આવી હતી. જે હેઠળ તમામ વસ્તુઓ અને સેવાઓને ચાર ટેક્સ સ્લેબ (5,12,18,28 ટકા)માં વિભાજીત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે મોદી સરકાર ‘વન નેશન, વન રોડ’ ટેક્સ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે રાજ્ય સરકારોને સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે.


એક રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર સાથે થયેલી એક બેઠકમાં કેટલાક રાજ્યોએ પ્રાઇવેટ કાર માટે આ યુનિફોર્મ રોડ ટેક્સનો પ્રસ્તાવ લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે, કેટલાક રાજ્યો આ પ્રસ્તાવ પર વિચાર કરવા કહી રહ્યા છે. આ રાજ્યોના મતે ‘વન નેશન, વન રોડ ટેક્સ’  લાગુ થયા બાદ તેમની કમાણી પર અસર પડી શકે છે.

વાસ્તવમાં રોડ ટેક્સ કોઇ પણ નવી ગાડીના રજીસ્ટ્રેશન સમયે આપવાનો હોય છે. જીએસટીની સાથે લાગનાર આ ટેક્સના કારણે ગાડીની કિંમત વધી જાય છે. એવામાં ગ્રાહક એ રાજ્યોમાંથી ગાડીઓ ખરીદે છે જ્યાં સૌથી ઓછો રોડ ટેક્સ લાગે છે એવામાં વધુ રોડ ટેક્સ લગાવનારા રાજ્યોને રેવેન્યૂ કલેક્શનમાં નુકસાન થાય છે. વર્ષ 2018માં રોડ ટેક્સને લઇને પરિવહન મંત્રાલયે ભલામણ કરી હતી કે 10 લાખથી ઓછી કિંમતની ગાડી પર આઠ ટકા, 10-20 લાખ સુધી 10 ટકા, અને 20 લાખથી વધુ કિંમત ધરાવતી કાર માટે 12 ટકા ટેક્સ લગાવવાની ભલામણ કરી હતી.