નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કૂપવાડા જિલ્લાના હંદવારા ક્ષેત્રમાં સુરક્ષા દળોએ આજે એક પાકિસ્તાની આતંકવાદીને અથડામણમાં ઠાર કર્યો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકી લશ્કર તૈયબાનો હતો. આતંકવાદી ઉત્તર કાશ્મીરના હંદવારના બટપોરામાં થયેલી એક અથડામણમાં ઠાર કરવામાં આવ્યો. આ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલું છે. બપોરથી ચાલી રહેલી અથડામણમાં એક આતંકી ઠાર કરાયો છે.


સુરક્ષા બળોના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરૂવારે બપોરે સીઆરપીએફની 92મી બટાલિયન, જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ટીમ અને રાષ્ટ્રીય રાઇફલ્સની 47મી બટાલિયનના કમાન્ડો કૂપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે નીકળ્યા હતા. દરમિયાન સુરક્ષાબળોએ આતંકીઓને ચોમેરથી ઘેરી લેતાં આતંકીઓ ગોળીબારી શરૂ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની આતંવાદીનું શબ અથડામણ સ્થળેથી એક હથિયાર અને અન્ય વસ્તુઓ સાથે મળ્યું. ઠાર કરવામાં આવેલા આતંકવાદી વિશે વધારે જાણકારી મેળવવામાં આવી રહી છે.