Online Gaming Authority of India 2026: જો તમે મોબાઈલ કે કમ્પ્યુટર પર ઓનલાઈન ગેમ્સ રમવાના શોખીન છો અથવા કોઈ ગેમિંગ કંપની ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે ભારતમાં ઝડપથી વધી રહેલા ઓનલાઈન ગેમિંગ અને ઈ સ્પોર્ટ્સ સેક્ટરને કંટ્રોલ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. 1 મેથી દેશમાં નવો 'ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025' લાગુ થઈ રહ્યો છે, જે અંતર્ગત 'ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (OGAI) ની સ્થાપના કરવામાં આવી છે. આ નવી ઓથોરિટી ગેમ્સના રજિસ્ટ્રેશનથી લઈને યુઝર્સના ડેટાની સુરક્ષા સુધીની તમામ બાબતો પર બાજ નજર રાખશે.

કોણ ચલાવશે આ ઓથોરિટી?

આ નવી સંસ્થામાં માત્ર કોઈ એક જ વિભાગનું રાજ નહીં હોય, પરંતુ તેમાં મલ્ટી મિનિસ્ટ્રી મોડેલ અપનાવાયું છે. 'ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' ના અધ્યક્ષ તરીકે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના (MeitY) અધિક સચિવ જવાબદારી સંભાળશે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, રમતગમત મંત્રાલય અને કાયદા વિભાગના જોઈન્ટ સેક્રેટરી સ્તરના અધિકારીઓ પણ આમાં સભ્ય તરીકે જોડાશે. ટૂંકમાં કહીએ તો, સરકારના અલગ અલગ વિભાગો ભેગા મળીને આખા ગેમિંગ સેક્ટર પર નજર રાખશે.

આ ગેમિંગ ઓથોરિટી શું કામ કરશે?

હવે સવાલ એ થાય કે આ સંસ્થા કરશે શું? OGAI ઓનલાઈન ગેમ્સ અને ઈ સ્પોર્ટ્સ માટે એક 'સેન્ટ્રલ રેગ્યુલેટર' (મુખ્ય નિયંત્રક) તરીકે કામ કરશે.

ભારતમાં ચાલતી તમામ ગેમિંગ પ્લેટફોર્મ્સે હવે આ સંસ્થા પાસે પોતાની ગેમ્સનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને મંજૂરી લેવી પડશે.

કઈ ગેમ રમાડવી અને કઈ નહીં, તે માટે નવું વર્ગીકરણ (ક્લાસિફિકેશન) કરવામાં આવશે.

આ ઉપરાંત, કંપનીઓ લોકોનો ડેટા કેવી રીતે સાચવે છે અને પ્લેટફોર્મ પર કેટલી પારદર્શિતા છે, તે અંગે પણ ઓથોરિટી કડક ગાઈડલાઈન બહાર પાડશે અને પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરશે.

1 મેથી નવા નિયમો: ગેમિંગ ઉદ્યોગ પર શું અસર પડશે?

1 મેથી આ કાયદો અમલમાં આવતાની સાથે જ દેશમાં કામ કરતી તમામ ગેમિંગ કંપનીઓએ નવા નિયમો પ્રમાણે પોતાની સિસ્ટમ બદલવી પડશે. અત્યાર સુધી આ સેક્ટરમાં કોઈ ચોક્કસ નિયમો ન હતા, જેનાથી હવે છુટકારો મળશે અને સ્પષ્ટતા આવશે.

મોટી ગેમિંગ કંપનીઓ તો કદાચ ફટાફટ આ નવા ફેરફારો અપનાવી લેશે, પરંતુ નાના ઓપરેટર્સ માટે આ કડક નિયમો અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનું પાલન કરવું થોડું મુશ્કેલ બની શકે છે. જોકે, સારી વાત એ છે કે સરકારના આ પગલાંથી યુઝર્સનો ડેટા વધુ સુરક્ષિત રહેશે, તેમનો કંપનીઓ પર ભરોસો વધશે અને ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રી એક યોગ્ય અને સુરક્ષિત માળખામાં આગળ વધશે.