UP Elections: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હવે કેટલાક દિવસો જ બાકી છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં ગઠબંધનના સવાલ પર કહ્યું કે આ દરવાજો ભાજપ માટે બંધ છે અને અન્ય પાર્ટીઓ જો ઇચ્છે તો ગઠબંધન કરી શકે છે. છેલ્લા દિવસોમાં  પ્રિયંકા ગાંધીએ યુવાઓ માટે પોતાની પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં મારા સિવાય કોઇ અન્ય મુખ્યમંત્રીનો ચહેરો દેખાય છે? એએનઆઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મુખ્યમંત્રીના ચહેરાને લઇને પૂછાયેલા એક સવાલના જવાબમાં  પ્રિયંકા ગાંધીએ કહ્યું આ પાર્ટીનો નિર્ણય હોય છે. આ નિર્ણય પાર્ટી કરતી હોય છે. તમે (મીડિયા)વારંવાર મને આ સવાલ કેમ કરે છે. શું તમે અન્ય રાજ્યોમાં યોજાનારી ચૂંટણીના પ્રભારીઓને આ સવાલ કરો છો?






ગઠબંધનના સવાલ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે કોઇ પણ પ્રકારની ચર્ચા માટે તૈયાર હતા પરંતુ એવી કોઇ ચર્ચા થઇ નથી અને અમે એકલા જ ચૂંટણી લજી રહ્યા છીએ. એક રીતે આ અમારી પાર્ટી માટે સારુ છે. અમે ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં વધુ બેઠકો પરથી ચૂંટણી લડી નથી. સમાજવાદી પાર્ટી અને ભાજપ એક રીતે સમાન રીતે લડી રહ્યા છે કારણ કે બંન્નેનો ફાયદો આ પ્રકારની રાજનીતિથી થઇ રહ્યો છે. અમે ચૂંટણી પુરી તાકાતથી લડી રહ્યા છીએ. અમે મહિલાઓની સુરક્ષા, વિકાસ, બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ. કોગ્રેસ સંઘર્ષ કરી રહી છે. આશા છે કે જનતાનું સમર્થન અમને જ મળશે.


પ્રિયંકાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોને કચડવામાં આવી રહ્યા છે અને જેણે આ કર્યું છે તેને કાંઇ થયું નથી. ખેડૂતો પર કેસ દાખલ કરાઇ રહ્યા છે. જાતિના મુદ્દા ઉઠાવવામાં આવે છે પરંતુ વિકાસની વાત થતી નથી. અમારી પાર્ટીનો હેતું લોકોને જાગૃત કરવાનો છે.