નવી દિલ્હીઃ રામ મંદિર પર ચાલી રહેલી રાજનીતિ વચ્ચે વિશ્વ હિંદુ પરિષદે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ ધર્મસભા યોજી છે. વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારીઓ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. ધર્મસભામાં વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, હિંદુ સમાજ અનંતકાળ સુધી રાહ જોઇ શકે નહીં. સુપ્રીમ કોર્ટ પોતાના કર્તત્વોથી ભાગી શકે નહીં. 3-11 ડિસેમ્બરના રોજ શરૂ થઇ રહેલા શિયાળુ સત્ર અગાઉ અમે આવ્યા છીએ અને રામ મંદિર પર કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છીએ. જ્યારે અનુભૂતાનંદજીએ કહ્યું કે, અમારા રામલલા ટેન્ટમાં છે અને અમારા અન્ય લોકો ઠાઠમાં છે.
આ અગાઉ વીએચપીએ અયોધ્યામાં પણ ધર્મસભા કરી હતી. રામ લીલા મેદાનમાં આજે પાંચ લાખ લોકો આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેને કારણે મેદાનની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. રેલીની સુરક્ષા માટે પોલીસ અને અર્ધસૈનિક દળોના 15 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એમ્બુલન્સ પણ મોટી સંખ્યામાં રામલીલા મેદાન પાસે તૈનાત કરવામાં આવી છે.
વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, રવિવારે રામલીલા મેદાનમાં ધર્મ સંસદને આરએસએસના કાર્યકારી વડા સુરેશ ભૈયાજી જોશી સંબોધિત કરશે. આ વિશાળ રેલી થશે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ માટે કાયદો લાવવાનું સમર્થન નહી કરનારા તમામ લોકોનું હૃદય પરિવર્તન કરી દેશે. વીએચપીના મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, જો કોઇ સ્થિતિમાં સંસદમાં શિયાળુ સત્રમાં કાયદો લાવવામાં નહી આવે તો આગામી ધર્મસભામાં મોટો નિર્ણય લેવામાં આવશે. તેનું આયોજન 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં ઇલાહાબાદમાં કરાશે.