Operation Ajay: હમાસે શનિવારે સવારે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. હુમલામાં બંને પક્ષના લગભગ 2500 લોકોના મોત થયા છે. દરમિયાન, ભારત સરકારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા ઓપરેશન અજય શરૂ કર્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં ઘણા દેશોના નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી 212 ભારતીય નાગરિકો આજે સવારે ફ્લાઇટ AI1140 દ્વારા નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઇઝરાયેલથી ભારત ઉડાન ભરેલા બે ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.










વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે જો જરૂર પડશે તો એરફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. હાલ ચાર્ટર ફ્લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આજે સવારે લગભગ 212 લોકોને પરત લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઇઝરાયેલમાં રહેતા અમારા ભારતીય નાગરિકોને દૂતાવાસમાં જલ્દી રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરીએ છીએ.


આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઈઝરાયેલથી પોતાના દેશમાં પરત ફરી રહેલા મુસાફરોનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે દેશ છોડવા માંગતા 212 ભારતીયોને લઇને પ્રથમ ચાર્ટર ફ્લાઇટે ગુરુવારે બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી.






ઈઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીયો છે


મળતી માહિતી મુજબ ઈઝરાયેલમાં લગભગ 18000 ભારતીયો છે. તેમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે હજુ સુધી કોઈ ભારતીય જાનહાનિના સમાચાર નથી. અમે ઘાયલ થયેલા એક વ્યક્તિના સંપર્કમાં છીએ, હાલમાં તે હોસ્પિટલમાં છે.


વેસ્ટ બેન્ક અને ગાઝામાં પણ ભારતીયો ફસાયા


અરિંદમ બાગચીએ કહ્યું કે AFના C-17, C-230, IL-76 સ્ટેન્ડબાય મોડ પર છે. તેમણે એમ પણ કહ્યું કે વેસ્ટ બેન્કમાં લગભગ એક ડઝન ભારતીયો છે અને ગાઝામાં પણ 3-4 ભારતીયો છે, અમે તેમના સંપર્કમાં છીએ, તેમને પાછા લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતે પેલેસ્ટાઈન, બે રાજ્ય ઉકેલ પર તેની નીતિને દોહરાવી છે. બાગચીએ કહ્યું કે માનવતાવાદી કાયદાનું પાલન કરવું એ આંતરરાષ્ટ્રીય જવાબદારી છે. આ સાથે આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામે લડવાની વૈશ્વિક જવાબદારી પણ છે.