Parliament Monsoon Session: મણિપુર મુદ્દે પીએમ મોદીની ટિપ્પણી અને ભારતમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન બાદ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ વધી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના નેતા અધીર રંજન ચૌધરીને પત્ર લખીને મડાગાંઠને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષી પાર્ટીઓ બુધવારે (26 જુલાઈ) લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવશે.
1. કોંગ્રેસે તેના લોકસભા સાંસદોને 26 જુલાઈના રોજ સંસદમાં હાજર રહેવા માટે ત્રણ લાઈનનો વ્હીપ જારી કર્યો છે. જેમાં લોકસભાના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. સવારે 10.30 વાગ્યે કોંગ્રેસના સાંસદોની બેઠક યોજાશે. આ ઉપરાંત વર્તમાન ચોમાસુ સત્ર માટે AAP સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરવાને લઈને સંસદ પરિસરમાં રાજ્યસભાના વિપક્ષી સાંસદોનો વિરોધ પણ ચાલી રહ્યો છે.
2. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે વિપક્ષના નેતાઓ, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને પત્ર લખીને સંસદમાં મણિપુર મુદ્દા પર ચર્ચામાં તેમના સહકારની વિનંતી કરી. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે અને લોકસભામાં કોંગ્રેસના નેતાને સમાન પત્રોમાં, અમિત શાહે જણાવ્યું હતું કે સરકાર મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને પક્ષની વિચારધારાથી ઉપર ઉઠીને દરેકને સહકાર આપવા વિનંતી કરી છે.
3. અમિત શાહે લખ્યું કે હું તમને આ પત્ર રાજ્યસભા અને લોકસભામાં મણિપુરની ઘટનાઓ પર ચર્ચા કરવા માટે તમારો સહયોગ માંગવા માટે લખી રહ્યો છું. આપણી સંસદ એ ભારતની જીવંત લોકશાહીનો પાયાનો પથ્થર છે. કોર્ટના કેટલાક નિર્ણયો અને કેટલીક ઘટનાઓને કારણે મે મહિનાની શરૂઆતમાં મણિપુરમાં હિંસાની ઘટનાઓ બની હતી. કેટલીક શરમજનક ઘટનાઓ પણ સામે આવી છે, જેના પછી આખા દેશની જનતા સંસદ પાસેથી અપેક્ષા રાખી રહી છે કે આ મુશ્કેલ સમયમાં તમામ પક્ષો પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને મણિપુરના લોકોની સાથે ઉભા રહે.
4. ગૃહમંત્રીએ લખ્યું કે આ સમયે મણિપુરના લોકો ઈચ્છે છે કે અમે તમામ પક્ષોના સંસદસભ્યો તેમને ખાતરી આપીએ કે અમે મણિપુરની શાંતિ માટે એકજૂટ અને સંકલ્પબદ્ધ છીએ. વિપક્ષની માંગ છે કે સરકાર તરફથી મણિપુર પર નિવેદન આવવું જોઈએ, હું તમને કહેવા માંગુ છું કે સરકાર સંપૂર્ણ ચર્ચા માટે તૈયાર છે, માત્ર નિવેદન જ નહીં, પરંતુ આમાં તમામ પક્ષોના સમર્થનની અપેક્ષા છે. ચાલો આપણે પક્ષથી પર રહી આપણા રાષ્ટ્ર સામેના પડકારોનો ન્યાયી અને કાયમી ઉકેલ શોધવા માટે કામ કરીએ.
5. મણિપર હિંસા મુદ્દે સંસદમાં મડાગાંઠ વચ્ચે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂસિવ અલાયન્સ (ઈન્ડિયા) ના પક્ષો બુધવારે લોકસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપશે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે વિપક્ષી પાર્ટીઓ બુધવારે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.