નવી દિલ્હીઃ રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પર વિપક્ષના હંગામાના કારણે બુધવાર સુધી રાજ્યસભા સ્થગિત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે કોગ્રેસ સહિત અનેક પક્ષો ત્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટિ પાસે મોકલવાની માંગ કરી રહી છે.  વિપક્ષ નિયમ 125 હેઠળ બિલને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાનો પ્રસ્તાર રાખ્યો છે. આ બિલ લોકસભામા પસાર થઇ ચૂક્યું છે. સરકારને બિલને રાજ્યસભામાં રજૂ કરવા માટે ખૂબ મહેનત કરવી પડી શકે છે. લોકસભામાં ચર્ચા દરમિયાન આ બિલને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાની વાત કરી છે.  સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સંશોધનોનું સન્માન કરે છે પરંતુ આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવશે નહીં. કોગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ બિલ છે. આ બિલને કારણે કરોડો લોકો પર સકારાત્મક અથવા નકારાત્મક પ્રભાવ પડી શકે છે. આખરે સિલેક્ટ કમિટીને મોકલ્યા વિના તેને રાજ્યસભામાં કેવી રીતે પાસ કરાવી શકાય છે.


આ અગાઉ ભાજપ તરફથી વિજય ગોયલે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પસાર કરવા માટે તમામ વિપક્ષ પાર્ટીઓનો સંપર્ક સાધ્યો હતો. કોગ્રેસ અને ભાજપે પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી સોમવારે સંસદમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.  એક સીનિયર વિપક્ષ નેતાએ કહ્યું કે, વિરોધી પક્ષનો એકમત છે કે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવું જોઇએ. સરકારે ત્રિપલ તલાકને ગુનો ગણાવીને સપ્ટેમ્બરમાં અધ્યાદેશ જાહેર કર્યો હતો. તેની સમય મર્યાદા 6 મહિના સુધીની હોય છે. જો આ દરમિયાન સંસંદ સત્ર આવી જાય તો સત્ર શરૂ થયાના 42 દિવસમાં અધ્યાદેશને બિલમાં રિપ્લેસ કરવાનો હોય છે.