Rahul Gandhi in America: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે અને તેઓ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં અનેક સવાલોના જવાબ આપ્યા અને આગામી વર્ષની લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષો એક સાથે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.






રાહુલ ગાંધીએ કહ્યું હતું કે  મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કરશે અને લોકોને ચોંકાવશે.  વિપક્ષ પોતાના દમ પર એકલા જ ભાજપને હરાવી દેશે.






'ભારતમાં વિપક્ષ એક થયા, જમીન પર ઘણું બધું થઈ રહ્યું છે'


વોશિંગ્ટન ડીસીના પ્રેસ ક્લબમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં વિપક્ષ એક થયા છે. જમીન પર ઘણું બધું થઈ રહ્યું છે. આ સરકાર સામે છૂપો અંડર કરંટ છે જે આગામી ચૂંટણીઓમાં લોકોને આશ્ચર્યચકિત કરશે. લોકસભાની ચૂંટણીને આડે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે અને કોંગ્રેસ અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે સતત વાતચીત કરી રહી છે.






ભારત જોડો યાત્રા અને માનહાનિના કેસમાં આ વાત કહી


ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં સમગ્ર વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. સંસ્થાઓ કબજે કરવામાં આવે છે. અમે લોકતાંત્રિક લડાઈ લડવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. એટલા માટે થોડા મહિના પહેલા અમે ભારતભરમાં ફરવાનું વિચાર્યું હતું.


બીજી તરફ પોતાના પર થયેલા માનહાનિના કેસ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એવો પહેલો વ્યક્તિ બનીશ કે જેને માનહાનિના મામલામાં સૌથી મોટી સજા થશે અને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડશે પરંતુ રાજકીય રીતે આનાથી મને મોટી તક મળી છે.