COVID-19 In Maharashtra:મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોનાના અન્ય વેરિઅન્ટને લઇને સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રના અનેક મંત્રી અને ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે જાણકારી આપતા કહ્યું કે રાજ્યના 10 મંત્રી અને 20 ધારાસભ્યો કોરોના પોઝિટીવ મળ્યા છે. રાજ્યમાં ઓમિક્રોનથી અત્યાર સુધીમા 454 લોકો સંક્રમિત થયા છે.
બાબાસાહેબ થોરાત, વર્ષા ગાયકવાડ, કેસી પાડવી, પ્રાજક્ત તનપુરે, યશોમતી ઠાકુર નામના મંત્રીઓ કોરોના સંક્રમિત થયા છે. તે સિવાય સાગર મેઘે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, શેખર નિકમ, ઇન્દ્રનીલ નાઇક, ચંદ્રકાંત પાટીલ, માધુરી મિસાલ સહિતના ધારાસભ્યોને કોરોના થયો છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય સચિવ પ્રદીપ વ્યાસે ડિવિઝનલ કમિશનર અને કલેક્ટરને લખેલા પત્રમાં કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ના લવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોરોનાના કેસની Genomic Sequencing કરવામાં આવી રહી છે. જેમાંથી 70 ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટ હોવાની વાત સામે આવી છે જે ઘાતક છે.
ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધીમાં 23 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. જેના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 454 દર્દી સામે આવ્યા છે. બીજી બાજુ દિલ્હીમાં 351 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં તમિલનાડુમાં 118 અને ગુજરાતમાં 115 કેસ સામે આવ્યા છે. જ્યારે કેરળમાં 109 કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 22,775 નવા કેસ નોંધાયા છે અને 406 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,04,781 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 1431 થયા છે.