નવી દિલ્હીઃ અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વધી રહી છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા સાડા પાંચ લાખ નજીક પહોંચી ગઈ છે. દેશમાં સતત બીજા દિવસે 19,000થી વધારે કેસ નોંધાયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,459 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 380 લોકોના મોત થયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,48,318 પર પહોંચી છે અને 16,475 લોકોના મોત થયા છે. 3,21,723 લોકો સાજા થઈ ગયા છે અને 2,10,120 એક્ટિવ કેસ છે.


કોરોના સંક્રમિતો દેશોમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. અમેરિકા, બ્રાઝિલ રશિયા બાદ ભારતનો ક્રમ છે. અમેરિકા 26,37,039 મામલા સાથે ટોપ પર છે. જે બાદ બ્રાઝિલ 13,45,254 મામલા સાથે બીજા અને રશિયા 6,34,437 મામલા સાથે ત્રીજા ક્રમે છે. અમેરિકાન અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાઈ રહ્યા છે.

દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે સંક્રમિત રાજ્ય છે. અહીંયા કુલ સંક્રમિતોની સંખ્યા 1,64,626 પર પહોંચી છે. બીજા નંબરે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 83,077 પર પહોંચી છે. તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 82,275 છે અને લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. 31,320 સંક્રમિતો સાથે ગુજરાત ચોથા અને 22,147 સંક્રમિતો સાથે ઉત્તરપ્રદેશ પાંચમા ક્રમે છે.