Petrol Diesel Price Hike: ક્રુડ ઓઈલના ભાવ 115 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. તેમ છતાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના દબાવમાં સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડિઝલના ભાવ નથી વધાર્યા. આ કંપનીઓને ઉંચા ભાવનું ક્રુડ ઓઈલ આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાત કરવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં કંપનીઓને પેટ્રોલ-ડિઝલ વેચવામાં નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનને ભરપાઈ કરવા માટે સરકારી તેલ કંપનીઓએ 16 માર્ચ સુધીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 12 રુપિયાનો વધારો કરવો પડશે. 


આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીજે એક રિપોર્ટમાં કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય તેલના ભાવની સાથે-સાથે ઘરેલુ ઈંધણના રીટેલ ભાવ પણ જોડાયેલા છે. સરકારી કંપનીઓને હાલ થઈ રહેલા નુકસાનને ભરપાઈ કરવા માટે 16 માર્ચ સુધીમાં 12 રુપિયાનો વધારો કરવો જરુરી છે. ICICI સિક્યુરિટીએ એક રિપોર્ટમાં જણાવ્યું કે, તેલ કંપનીઓના માર્જીનને ઉમેરતાં પ્રતિ લીટર ભાવમાં કુલ 15.1 રુપિયાનો ભાવ વધારો કરવો જરુરી છે. 


ગુરુવારે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ નવ વર્ષમાં પહેલી વખત 120 અમેરિકી ડોલરને પાર પહોંચી ગયો હતો. આ ભાવ શુક્રવારે ઘટીને 111 અમેરિકી ડોલર પર પહોંચ્યો હતો. પરંતુ આ ભાવ વધારાની સામે પેટ્રોલ અને ડિઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો થયો નથી. જેથી આંતરરાષ્ટ્રીય ભાવ અને રિટેલ ભાવ વચ્ચે એક મોટું અંતર આવી ગયુ છે. ભાવમાં આવેલું આ અંતર તેલ કંપનીઓનું નુકસાન દર્શાવે છે. તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)એ જણાવ્યા પ્રમાણે ભારતમાં ક્રુડ ઓઈલની ખરીદી 3 માર્ચના રોજ વધીને 117.39 ડોલર પ્રતિ બેરલ થઈ હતી. જે 2012 પછી સૌથી વધારે છે. જ્યારે નવેમ્બર 2021ની શરુઆતમાં ઈંડિન બોસ્કેટ ક્રુડ ઓઈલની સરેરાશ 81.5 ડોલર પ્રતિ બેરલ હતી. 


4 નવેમ્બર 2021 બાદ અત્યાર સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી. જ્યારે ક્રુડ તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. દેશમાં ચાલી રહેલા 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવનાર છે. ચૂંટણીના દબાવમાં સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો નથી કરી રહી તેવું મનાઈ રહ્યું છે પરંતુ 7 માર્ચ બાદ ભાવમાં વધારો થવાની પુરી શક્યા છે.