Asaduddin Owaisi Vande Mataram speech parliament: વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના તીખા તેવર દાખવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દેશભક્તિ અને ધર્મને એકબીજા સાથે ભેળવવા ન જોઈએ. ઓવૈસીએ સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, "અમારી પાસેથી વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો." તેમણે ચેતવણી આપી હતી કે જો એક જ પ્રકારના ફૂલ (વિચારધારા) નો આગ્રહ રાખવામાં આવશે, તો માળી જલ્લાદ બની જશે.
દેશ અને ધર્મનું મિશ્રણ લોકશાહી માટે યોગ્ય નથી
સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં ‘વંદે માતરમ’ ગીતને લઈને ગંભીર ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બાદ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ ચર્ચામાં ઝુકાવ્યું હતું. ઓવૈસીએ પાયાનો પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, "જ્યારે આપણે ભારત માતાને 'દેવી' તરીકે સંબોધીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ તેમાં ધર્મને દાખલ કરી દઈએ છીએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની આઝાદી અને અખંડિતતા એટલા માટે જ સચવાઈ રહી છે કારણ કે આપણે ક્યારેય દેશ અને ધર્મને એકબીજામાં ભેળવ્યા નથી.
‘માળી અને જલ્લાદ’ નું ઉદાહરણ આપી સાધ્યું નિશાન
પોતાની વાતને વધુ અસરકારક બનાવવા માટે ઓવૈસીએ એક રૂપક (Metaphor) નો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું, "જો કોઈ બગીચાનો માળી એવી જીદ પકડે કે બગીચામાં માત્ર એક જ પ્રકારનું ફૂલ ઉગશે, તો તે માળી મટીને 'જલ્લાદ' બની જશે." ભારતની વિવિધતા તરફ ઈશારો કરતા તેમણે સરકારને કહ્યું કે અમારી પાસે વફાદારીના પુરાવા માંગવાનું બંધ કરો. જે લોકો આજે દેશભક્તિના પાઠ ભણાવે છે, તેમણે પોતાના વડવાઓ દ્વારા લખાયેલા પુસ્તકો વાંચવા જોઈએ.
વંદે માતરમને વફાદારીની કસોટી ન બનાવો
AIMIM ચીફે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ‘વંદે માતરમ’ ને દેશભક્તિ કે વફાદારી સાબિત કરવાનો માપદંડ બનાવવામાં આવશે, તો તે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ગણાશે. તેમણે કહ્યું કે, "આવું કરવાથી આપણે ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ અને બાબા સાહેબ આંબેડકરના વિચારોને તિલાંજલિ આપીને ગોડસેની વિચારધારા અપનાવી રહ્યા છીએ તેવું સાબિત થશે." સરકાર બળજબરીપૂર્વક કોઈની પાસે આ ગીત ગવડાવી ન શકે, તે બંધારણીય અધિકારોની વિરુદ્ધ છે.
‘ઈસ્લામ અને દેશપ્રેમ એકબીજાના વિરોધી નથી’
ઓવૈસીએ પોતાના ભાષણમાં મુસ્લિમ સમાજની ભાવનાઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મારો ધર્મ ઈસ્લામ અને મારો દેશપ્રેમ ક્યારેય એકબીજાના રસ્તામાં નથી આવતા. હું મુસ્લિમ છું અને દેશને પ્રેમ કરું છું, આ બંને બાબતો સાથે ચાલી શકે છે." તેમણે ઇતિહાસનો હવાલો આપતા કહ્યું કે જે લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ જ નથી લીધો, તેમના મોઢે દેશપ્રેમની વાતો શોભતી નથી. તેમણે 28 ડિસેમ્બરના 'ઓર્ગેનાઈઝર' મેગેઝિનના લેખનો સંદર્ભ આપીને પૂછ્યું કે તમને 'જન ગણ મન' સામે આટલી નારાજગી કેમ છે?
આઝાદીનું સૂત્ર હતું, પણ બળજબરી ન ચાલે
અંતમાં ઓવૈસીએ સ્વીકાર્યું હતું કે આઝાદીના સમયે વંદે માતરમ એક ક્રાંતિકારી સૂત્ર હતું અને તેને તેઓ જાણે છે. પરંતુ વર્તમાન સમયમાં જો સરકાર તેને થોપવાનો પ્રયાસ કરશે તો તે સ્વીકાર્ય નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર આ બાબતે બળપ્રયોગ નહીં કરે અને બંધારણીય મૂલ્યોનું જતન કરશે.